મુંબઈઃ હાલમાં ભારતમાં સોનાની ખરીદી આભૂષણો માટે ઓછી અને રોકાણ માટે વધુ થઈ રહી છે અને વર્તમાન નાણાકીય વર્ષમાં આ રોકાણલક્ષી ખરીદદારોનો હિસ્સો વધીને 40 ટકા જેટલો થવાની શક્યતા એક અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.
રેટિંગ એજન્સી કેરએજે તાજેતરમાં જાહેર કરેલા એક અહેવાલમાં જણાવ્યું છે કે ગત કેલૅન્ડર વર્ષ 2025માં થયેલી સોનાની કુલ ખરીદીમાં જ્વેલરી માટેની ખરીદીનો હિસ્સો લાંબા સમયગાળાના સરેરાશ 70 ટકાના હિસ્સા કરતાં 60 ટકા કરતાં ઓછો રહ્યો હતો. કેરએજનાં ડિરેક્ટર અખિલ ગોયલે જણાવ્યું હતું કે ભારત સોનાનો વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ છે અને મોટા ભાગની ખરીદી જ્વેલરી અર્થાત્ આભૂષણોના સ્વરૂપમાં થતી હોય છે અને જ્વેલરી માટેની ખરીદીના હિસ્સામાં ઘટાડો ખરીદદારોનાં લોકમાનસનાં મૂળભૂત બદલાવનો નિર્દેશ આપે છે.
ઉલ્લેખનીય બાબત એ છે કે ભૂરાજકીય અનિશ્ચિતતાને કારણે સોનાના ભાવમાં મક્કમ ધોરણે સુધારો જોવા મળી રહ્યો હોવાથી રોકાણકારોના પોર્ટફોલિયો વિકેન્દ્રિકરણમાં સોનાની પસંદગી જળવાયેલી રહેતા નાણાકીય વર્ષ 2027માં સોનાની કુલ માગ પૈકી 35થી 40 ટકા જેટલો હિસ્સો રોકાણલક્ષી માગનો રહે તેવી શક્યતા ગોયલે વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે હાલ દેશમાં આભૂષણો માટેની માગ વૈશ્વિક સરેરાશ 50 ટકા માગની સરખામણીમાં 60 ટકા જેટલી છે.
ભારતમાં સલામતી માટેની માગ અને અન્ય પરિબળોને ધ્યાનમાં લેતા ખાસ કરીને સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં, સોનાની લગડીમાં તથા કોઈનમાં પ્રબળ માગને ટેકે રોકાણલક્ષી માગમાં વૃદ્ધિ જોવા મળી છે. એજન્સીના મતાનુસાર હાલમાં સોનાના ભાવની ઊંચી સપાટી લાંબા સમયગાળા સુધી જળવાયેલી રહેશે જે મુખ્યત્વે મૂળભૂત માગના બદલાવ, વૈશ્વિક આર્થિક તથા ભૂરાજકીય અનિશ્ચિતતા જેવા પરિબળોને આધીન રહેશે નહીં કે ટૂંકા સમયગાળાના સટ્ટાકીય આંતરપ્રવાહને ટેકે.
વધુમાં એજન્સીએ ઉમેર્યું હતું કે ગત વર્ષ 2025માં સોનાની ભાવસપાટી ઊંચી રહી હોવા છતાં જ્વેલરી અથવા તો આભૂષણો માટેની માગ મૂલ્યની દૃષ્ટિએ 10 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 4.8 લાખ કરોડની સપાટીએ રહી હતી.