નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ભાગેડુઓ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. જેમાં છેલ્લા સાત વર્ષમાં 36 દેશોમાંથી 274 ભાગેડુ ગુનેગારોને પરત લાવી છે. આ ભાગેડુઓમાં આતંકવાદીઓ, ગેંગસ્ટરો, માદક દ્રવ્ય, હત્યા, બળાત્કાર અને જાતીય અને આર્થિક ગુનાઓમાં વોન્ટેડ લોકોનો સમાવેશ થાય છે.
ગૃહમંત્રી અમિત શાહે એકસ પર નિવેદન આપ્યું
ગૃહમંત્રી અમિત શાહે એકસ પર વિદેશમાં છૂપાયેલા ભાગેડુ ગુનેગારો અંગે કેન્દ્ર સરકારની કાર્યવાહી અંગે વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2019 થી 274 ગુનેગારો પરત લાવવામાં આવ્યા છે.
એક અભેદ્ય સુરક્ષા કવચ બનાવ્યું
તેમણે વધુમાં જણાવ્યું કે, હવે એ દિવસો જતાં રહ્યા જ્યારે ગુનેગારો સિસ્ટમમાં રહેલી છટકબારીઓનો ઉપયોગ કરીને ભાગી જતા હતા અને પરત નહોતા આવતા. જ્યારે નવા ભારત, નવા કાયદાઓ, સંસ્થાઓ અને વૈશ્વિક ભાગીદારી દ્વારા જૂની સિસ્ટમની દરેક ખામીઓને દૂર કરીને એક અભેદ્ય સુરક્ષા કવચ બનાવ્યું છે.
₹17,874 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી
ગૃહમંત્રીએ બીજી એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "મોદી સરકારના નેતૃત્વમાં વિદેશમાં છુપાયેલા ભાગેડુઓને પકડવા માટે સંકલિત, ગુપ્ત માહિતી આધારિત અને ટેકનોલોજી આધારિત કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ત્રણ નવા કાયદા હેઠળ 'ટ્રાયલ ઇન એબ્સેન્ટિયા' ની જોગવાઈએ ન્યાયિક પ્રણાલીને ભાગેડુ ગુનેગારો સામે કાર્યવાહી શરૂ કરવાની સત્તા આપી છે. PMLA ના કડક અમલને કારણે, ₹17,874 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને ₹18,762 કરોડની સંપત્તિ રિકવર કરવામાં આવી છે.
ભારત પોલ" જેવી નવી સિસ્ટમોએ સમગ્ર વિશ્વમાં સંકલન બનાવ્યું
આ ઉપરાંત અમિત શાહે જણાવ્યું કે," ભારત પોલ" જેવી નવી સિસ્ટમોએ સમગ્ર વિશ્વમાં સંકલન બનાવ્યું છે. જેના કારણે દુનિયાનો દરેક ખૂણેથી ભાગેડુને પકડી શકાય છે.