Fri Jun 26 2026

Logo

ભારતે સિંગાપોર ખાતે બેંગનાપલ્લી કેરીની દરિયાઈ માર્ગે નિકાસ કરી

2026-06-26 19:58:39
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ભારતે સિંગાપોર ખાતે ઓછા પરિવહન ખર્ચે દરિયાઈ માર્ગે 4.3 લાખ ટન બેંગનાપલ્લી કેરીની નિકાસ કરી હોવાનું સરકારે જણાવ્યું છે. 
તાજેતરમાં કૃષિ મંત્રાલયે એક અધિકૃત યાદીમાં જણાવ્યું હતું કે હવાઈ શિપમેન્ટની સરખામણીમાં નોંધપાત્ર માત્રામાં ઓછા પરિવહન ખર્ચ ધરાવતા દરિયાઈ માર્ગથી આ શિપમેન્ટ કરવામાં આવ્યું છે. 

તાજા ફળોની નિકાસનાં ક્ષેત્રમાં મોટી સફળતા હાંસલ કરતા ભારતીય કેરીઓ દરિયાઈ શિપમેન્ટ મારફતે સિંગાપોર પહોંચી છે, જે આંતરરાષ્ટ્રીય બજારોમાં પોસાણક્ષમ અને મોટા પાયે કેરીની નિકાસ એક સિમાચિહ્નરૂપ છે. 

કેરીની નિકાસ માટે આઈસીએઆર સેન્ટ્રલ ઈન્ટ્ટ્યૂિટ ફોર સબટ્રોપિકલ હોર્ટિકલ્ચર (આઈસીએઆર-સીઆઈએસએચ) લખનઉએ અપેડાના સહયોગમાં આ શિપમેન્ટ પ્રોટોકોલ વિકસાવ્યો છે. તેમ જ આ પ્રોટોકોલ હેઠળ આંધ્ર પ્રદેશથી 4.3 ટન બેંગનાપલ્લી કેરીની સિંગાપુર ખાતે રીફર ક્નટેનર મારફતે નિકાસ કરવામાં આવી હોવાનું મંત્રાલયે ઉમેર્યું હતું. નોંધનીય બાબત એ છે કે દરિયાઈ માર્ગથી થતાં શિપમેન્ટનો પરિવહન ખર્ચ જે હવાઈ માર્ગે કિલોદીઠ રૂ. 150થી 200 થાય છે તેની સરખામણીમાં રૂ. 13થી 20 થતો હોવાથી ઉત્પાદક અને નિકાસકાર બન્ને માટે પોસાણક્ષમ છે.

આઈસીએઆર-સીઆઈએસએચ દ્વારા વિકસાવામાં આવેલા આ પ્રોટોકોલમાં વૈજ્ઞાનિક ઢબે લણણી, ગે્રડિંગ, પેકિંગ અને લણણી પછીના સંચાલનને આવરી લેતી અંતિમ તબક્કા સુધીની ગુણવત્તા જાળવી રાખવાની પ્રણાલીની ખાતરી આપે છે, એમ યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે નિકાસ કરવામાં આવેલા ફળોને આઈસીએઆર-સીઆઈએસએચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ટેકનોલૉજી હોટ વૉટર ટ્રિટમેન્ટ અને સીઆઈએસએચ મેટ વૉશમાંથી પસાર કરવામાં આવે છે, જે ફળોને બગડતા અટકાવે છે અર્થાત્‌‍ બગડવાની સમયમર્યાદા વધારે છે, રોગના બનાવો ઘટાડે છે અને લાંબા અંતરના પરિવહન દરમિયાન ફળની ગુણવત્તા જાળવી રાખે છે. આમ દરિયાઈ શિપમેન્ટની સ્થિતિમાં કેરીની ગુણવત્તા જળવાઈ રહેવાની મર્યાદા 30 દિવસ સુધી લંબાવી છે. 

આ શિપમેન્ટની સફળતાથી સિંગાપોર, મલયેશિયા, હૉંગકૉંગ અને અન્ય બજારોમાં ભારતીય કેરીની નિકાસનું વિસ્તરણ થવાની અપેક્ષા સેવાઈ રહી છે. તેમ જ યુએઈ જેવી મોટી બજારોમાં પણ તકો ઉભી થવાની શક્યતા જોવાઈ રહી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.