Wed Aug 19 2026

Logo

શિક્ષણ વ્યવસ્થા પર મોટું સંકટ! દેશની 1 લાખથી વધુ શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે, સરકારે શું કહ્યું...

2026-07-30 11:34:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ ભારતમાં શિક્ષણ વ્યવસ્થા પર સતત પ્રશ્નો થતા આવ્યાં છે, સીજેપી દ્વારા કરવામાં આવેલું આંદોલન પણ શિક્ષણ વ્યવસ્થા માટે જ હતું. અત્યારે શિક્ષણ વ્યવસ્થાને લઈને એક મહત્વપૂર્ણ જાણકારી પ્રકાશમાં આવી છે. એક સરકારી રિપોર્ટ પ્રમાણે ભારતમાં એક લાખથી પણ વધારે શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે! આખી શાળા માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે. આમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ પણ સામેલ છે. આંધ્ર પ્રદેશ રાજ્યમાં તો આવી શાળાઓની સંખ્યા 16,000 થી પણ વધારે છે. ચાલો જોઈએ સમગ્ર અહેવાલ...

શિક્ષકો વિના શિક્ષણ વ્યવસ્થા કેવી રીતે સુધરશે? 

આ આંકડા શિક્ષકોની નોંધપાત્ર અછત દર્શાવે છે, જ્યારે દેશનો એકંદર વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર રાષ્ટ્રીય ધોરણોની શ્રેણીમાં છે. આ શિક્ષકોની અછત હોય તો પછી શિક્ષણ વ્યવસ્થા કેવી રીતે સુધરશે? શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. જો કે, શિક્ષણ મંત્રાલયનું કહેવું છે કે, વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર પ્રાથમિક સ્તરે 19, ઉચ્ચ પ્રાથમિક સ્તરે 17, માધ્યમિક સ્તરે 15 અને ઉચ્ચ માધ્યમિક સ્તરે 23 છે. આ બધા આંકડા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા નિર્ધારિત મર્યાદામાં આવે છે. 

એક લાખથી વધારે શાળાઓ માત્ર એક શિક્ષકના ભરોસે

પ્રશ્ન એ છે કે, સરેરાશ આંકડા ભલે સારા દેખાઈ રહ્યાં છે, પરંતુ દેશની એક લાખથી વધારે શાળાઓ માત્ર એક શિક્ષકના ભરોસે ચાલી રહી છે તેવી શાળાઓના લાખો બાળકોનું શું? શું તેમના ભવિષ્યને અંધકારમય થવા દેવામાં આવશે? આવા પ્રશ્નો અત્યારે શિક્ષણ વ્યવસ્થાને કરવામાં આવી રહ્યાં છે. શિક્ષણ મંત્રાયલ સરેરાશ આંકડા આપીને છટકવાનું બહાનું શોધી રહ્યું છે, પરંતુ સ્થિતિ ચિંતાજનક છે.

આ યાદીમાં આંધ્ર પ્રદેશ 16,357 શાળા સાથે ટોપ પર

રાજ્ય પ્રમાણે આંકડાની વાત કરવામાં આવે તો, ભારતમાં કુલ 1,00,843 શાળાઓ એવી છે, જ્યાં માત્ર એક જ શિક્ષક છે. તેમાં આંધ્ર પ્રદેશ 16,357 શાળાઓ સાથે ટોપ પર છે. ત્યાર બાદ ઝારખંડ 9,827 શાળાઓ અને મહારાષ્ટ્ર 9,269 શાળાઓ સાથે બીજા ક્રમે આવે છે. તે પછી ક્રમશઃ કર્ણાટકમાં 8,042 શાળાઓ, ઉત્તર પ્રદેશમાં 7,874, રાજસ્થાનમાં 7,200 અને પશ્ચિમ બંગાળમાં 6,769 શાળાઓ એવી જ્યાં બાળકો માત્ર એક જ શિક્ષકના ભરોસે ભણી રહ્યાં છે.

ક્યાં રાજ્યમાં કેટલી શાળાઓમાં માત્ર એક શિક્ષક છે?

રિપોર્ટ પ્રમાણે આ યાદીમાં તેલંગાણામાં 7,793 શાળાઓ, તમિલનાડુમાં 3,957 શાળાઓ, આસામમાં 3,159 શાળાઓ, હિમાચલ પ્રદેશમાં 3,128 શાળાઓ, ઉત્તરાખંડમાં 2,655 શાળાઓ, છત્તીસગઢમાં 2,461 શાળાઓ, કેરળમાં 67 શાળાઓ, નાગાલેંડમાં 35 શાળાઓ, સિક્કિમમાં 31 શાળાઓ અને લદ્દાખમાં 28 શાળાઓમાં માત્ર એક શિક્ષક છે. આવી સ્થિતિને જોતા શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ભરતી કરવી જોઈએ પરંતુ તે કામ ગોકળગાયની ઝડપથી થઈ રહ્યું છે. 

ભરતી પ્રક્રિયા મામલે સરકારે કેવો જવાબ આપ્યો?

આ સમગ્ર મામલે બચાવ કરતા સરકારે કહ્યું કે, શિક્ષકોની ભરતી, નોકરીની શરતો અને પોસ્ટિંગ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ દ્વારા સંભાળવામાં આવે છે. તેમને ખાલી જગ્યાઓ માટે નિવૃત્તિ, રાજીનામા, નવી જગ્યાઓની ભરતી અને નોંધણીમાં ફેરફાર (ગ્રામીણ, આદિવાસી અને મહત્વાકાંક્ષી જિલ્લાઓ સહિત) જેવા પરિબળોને જવાબદાર ઠેરવ્યા છે. આ બધા સરકારી જવાબો છે, આ બધી સ્થિતિમાં બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે.