Wed May 20 2026

Logo

ફાઈનાન્સના ફંડાઃ 28/36 રૂલ તમારા ‘ડ્રીમ હોમ’ માટે યોગ્ય બજેટ કઈ રીતે નક્કી કરશો...

2026-04-14 08:57:00
Author: Mitali Mehta
Article Image

 

મિતાલી મહેતા

પોતાનું ઘર હોવું એ માત્ર એક મિલકત ખરીદવા જેવું નથી, પણ તે જીવનની સૌથી મોટી આર્થિક અને ભાવનાત્મક પ્રતિબદ્ધતા છે. જોકે, ઉત્સાહમાં આવીને ઘણા લોકો પોતાની નાણાકીય ક્ષમતા કરતાં વધુ મોટું ઘર ખરીદી લે છે, જેના પરિણામે લાંબા ગાળે આર્થિક તણાવ ઊભો થાય છે.

ઘર ખરીદતી વખતે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે: મારે કેટલા સુધીનું બજેટ રાખવું જોઈએ?
આ પ્રશ્નનો સચોટ જવાબ આપે છે : 28/36 રૂલ.
શું છે આ 28/36 રૂલ?

આ નિયમ એક એવું માળખું પ્રદાન કરે છે, જેના દ્વારા તમે જાણી શકો છો કે તમારી આવકના પ્રમાણમાં તમે કેટલું દેવું સુરક્ષિત રીતે સંભાળી શકો છો, જેમકે..

* 28 ટકા રૂલ (હાઉસિંગ ખર્ચ): તમારા ઘર સંબંધિત તમામ ખર્ચ (હપ્તા, ટેક્સ, મેન્ટેનન્સ વગેરે) તમારી કુલ માસિક આવકના 28 ટકા થી વધુ ન હોવા જોઈએ.
* 36 ટકા રૂલ (કુલ દેવું): તમારા ઘરના હપ્તા + અન્ય તમામ લોન (કાર, પર્સનલ લોન વગેરે) મળીને તમારી આવકના 36 ટકા થી વધુ ન હોવા જોઈએ.

ગણતરી સમજવા માટે એક ઉદાહરણ...

ધારો કે તમારી માસિક આવક ₹ 1,00,000 છે. આ નિયમ મુજબ:
* હાઉસિંગ ખર્ચ: આદર્શ રીતે ₹ 28,000ની અંદર હોવો જોઈએ.
* કુલ દેવાની મર્યાદા: ₹36,000થી વધુ ન હોવી જોઈએ.

વ્યવહારુ ઉદાહરણ: જો તમારી પાસે પહેલાથી ₹ 5,000નો કાર લોનનો હપ્તો ચાલતો હોય, તો તમારો હાઉસિંગ ખર્ચ (ઘરનો હપ્તો અને અન્ય ખર્ચ) ₹31,000 સુધી જઈ શકે છે, કારણ કે ₹31,000 (ઘર) + ₹5,000 (કાર) = ₹36,000 થાય છે, જે તમારી કુલ આવકના 36 ટકાની મર્યાદામાં છે.
જો કે, લાંબા ગાળાની આર્થિક સલામતી માટે હાઉસિંગ ખર્ચ 28 ટકા ની મર્યાદાની જેટલો નજીક રહે તેટલું વધુ સારું ગણાય.

આ નિયમ કેમ અનિવાર્ય છે?

આજના સમયમાં લોન મેળવવી પહેલા કરતાં ઘણી સરળ બની ગઈ છે, પરંતુ વધુ પડતી લોન તમારી નાણાકીય લવચીકતા ઘટાડે છે. જો આવકનો મોટો ભાગ હપ્તામાં જતો રહેશે, તો અન્ય જરૂરિયાતો માટે જગ્યા ઓછી બચશે:

1)  દૈનિક જરૂરિયાતો: ઘરખર્ચ અને જીવનશૈલીના ખર્ચ.
2) રોકાણ: નિવૃત્તિ કે બાળકોના ભવિષ્ય માટેનું આયોજન.
3 ) ઈમર્જન્સી: અચાનક આવી પડતી મુશ્કેલીઓ માટેનું ભંડોળ.

વધારે લોન લેવામાં છુપાયેલું જોખમ

હોમ લોન સામાન્ય રીતે 15 થી 25 વર્ષની લાંબી મુદત માટે હોય છે. આટલા લાંબા ગાળામાં નોકરીમાં બદલાવ કે મોંઘવારી જેવાં પરિબળો અસર કરી શકે છે. જો શરૂઆતથી જ તમે તમારી ક્ષમતાની મર્યાદાની એકદમ નજીક હશો, તો ભવિષ્યમાં કોઈ પણ નાનો આંચકો તમારી સ્થિરતાને હચમચાવી શકે છે.

એક માપદંડ, જડ નિયમ નહીં

તમારી પરિસ્થિતિ મુજબ તમે આમાં થોડો ફેરફાર કરી શકો છો:
* જો તમારી બીજી કોઈ લોન નથી તો તમે ઘર માટે થોડો વધુ હિસ્સો ફાળવી શકો છો.
* જો તમારા પર નિર્ભર સભ્યો વધુ હોય, તો આ મર્યાદામાં રહેવું જ હિતાવહ છે.

ટૂંકમાં....
ઘર ખરીદતી વખતે ‘આપણે કેટલી લોન મેળવી શકીએ’ તેના કરતા ‘આપણે કેટલી લોન આરામથી ચૂકવી શકીએ’ તે જોવું વધુ મહત્ત્વનું છે. 
યાદ રાખો કે ઘર આપણને શાંતિ આપવું જોઈએ, આર્થિક ચિંતા નહીં. 28/36 રૂલ અનુસરીને તમે તમારા નાણાકીય સ્વાસ્થ્યને જોખમમાં મૂક્યા વગર તમારા સપનાનાં ઘરની ચાવી મેળવી શકો છો.