Wed Aug 19 2026

Logo

આપણે ભારતમાં છીએ, વાસ્તવિક બનો': હોટેલનું લાઇસન્સ રદ્દ કરવાના FDAના આદેશ પર હાઈ કોર્ટની રોક

2026-07-30 22:35:27
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ને "આપણે ભારતમાં છીએ" તે બાબતને ધ્યાનમાં રાખીને વાસ્તવિક અભિગમ અપનાવવાનું સૂચન કર્યું છે અને સ્વચ્છતાના મુદ્દે નવી મુંબઈની એક ફોર-સ્ટાર હોટેલનું લાઇસન્સ રદ્દ કરવાના તેના આદેશને રદ કર્યો છે.

હોટેલને રાહત આપતાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયામૂર્તિ ગૌતમ અંખડની ખંડપીઠે બુધવારે નોંધ્યું હતું કે એફડીએએ બે નાના જીવજંતુઓ મળી આવ્યા બાદ આ નિર્ણય લીધો છે.

અદાલતે જણાવ્યું હતું કે, સ્વચ્છતા, જાળવણી અને સંચાલન અંગેના એકંદરે 'સંતોષકારક' અહેવાલને ધ્યાનમાં લેતાં, માત્ર 'બે જીવજંતુની હાજરી'ને કારણે લાઇસન્સ રદ્દ કરવું વ્યાજબી નથી. "આપણે ભારતમાં છીએ. આપણે વાસ્તવિક વલણ અપનાવવું જોઈએ," હાઈ કોર્ટે કહ્યું.

એફડીએએ હોટેલના પરિસરમાં ઓચિંતી તપાસ કર્યાના એક દિવસ બાદ, "સ્વચ્છતા, સફાઈ, ખાદ્યપદાર્થોના સંગ્રહ અને ખાદ્યપદાર્થોના વ્યવસ્થાપનમાં ગંભીર ક્ષતિઓ" હોવાનું કારણ દર્શાવીને ૩ જુલાઈએ 'પાર્ક ઇન બાય રેડિસન' હોટેલનું એફએસએસએઆઈ લાયસન્સ રદ્દ કરી દીધું હતું. ત્યાર બાદ હોટલે હાઈ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને દલીલ કરી કે આ આદેશ પરિસ્થિતિના પ્રમાણમાં અત્યંત કઠોર અને અયોગ્ય છે.

સરકારી વકીલ નેહા ભિડેએ કોર્ટને જણાવ્યું હતું કે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા બાબતે કોઈ બાંધછોડ થઈ શકે નહીં. આ મામલાની આગામી સુનાવણી ૩૧ જુલાઈના રોજ રાખવામાં આવી છે.