થાણે: થાણેના બિઝનેસમૅનને હર્બલ ટ્રીટમેન્ટ પૂરી પાડવાનું કહીને ‘ઉપચારક’ હોવાનો દાવો કરનારા ઠગ અને તેના સાથીએ 56.2 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ બન્ને આરોપીએ ગયા વર્ષના નવેમ્બરમાં 75 વર્ષના ફરિયાદને કુરિયર દ્વારા દવાઓ મોકલાવી હતી. જોકે દવા લીધા પછી પણ ફરિયાદીના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો જણાયો નહોતો.
કાસારવડવલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ બાદમાં ફરિયાદીને ઘોડબંદર રોડ પરની ગાયમુખ ચોપાટી ખાતે બોલાવ્યા હતા. ત્યાં વિવિધ વનસ્પતિ મિશ્રિત દવા પીવાની ફરિયાદને ફરજ પડાઈ હતી.
આ સારવારનો ખર્ચ 56 લાખ રૂપિયા થયો હોવાનો દાવો કરીને આરોપીએ રૂપિયાની માગણી કરી હતી. નાણાં ન આપે તો ખરાબ પરિણામ ભોગવવાં પડશે, એવી ધમકી પણ તેમણે આપી હતી. ફરિયાદીને ચેતવણી આપવામાં આવી હતી કે રૂપિયા લેવા માટે તેમના ઘરે માણસો મોકલવામાં આવશે અને જો રૂપિયા ન ચૂકવે તો સારવાર દરમિયાન લેવામાં આવેલી તસવીરો ઑનલાઈન સર્ક્યુલેટ કરીને બદનામી કરવામાં આવશે.
ડરના માર્યા ફરિયાદીએ 20 હજાર રૂપિયા રોકડમાં ચૂકવ્યા હતા. બાદમાં આરોપીએ જણાવેલાં વિવિધ બૅન્ક ખાતાંમાં ટુકડે ટુકડે રકમ જમા કરાવી હતી. આ રીતે ફરિયાદી પાસેથી 56.2 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા.
જોકે આરોપીએ વધુ નાણાંની માગણી કરતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 318(2), 318(3), 277 અને 3(5) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(પીટીઆઈ)