Sat Jul 04 2026

Logo

મુંબઈમાં સતત પાંચમા દિવસે વરસાદની ધબધબાટી

2026-07-03 20:29:32
Author: Yogesh C. Patel
Article Image

ટ્રેનો મોડી દોડી અને ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા: મુંબઈના અનેક ભાગોમાં 100 મિ.મીથી વધુ વરસાદ: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ અને આસપાસના પરિસરમાં સતત પાંચમા દિવસે વરસાદે જોરદાર બૅટિંગ કરી હતી. વરસાદનું જોર મધરાતે વધુ રહેતું હોવાથી નોકરિયાતોએ ઓછી હાલાકી સહન કરવી પડી રહી હોવા છતાં દિવસ દરમિયાન અનેક માર્ગો પર ટ્રાફિકની સમસ્યા કાયમ હતી. ગુરુવારથી શુક્રવારની સવાર સુધીમાં મુંબઈના અનેક ભાગોમાં 100 મિ.મી.થી વધુ વરસાદની નોંધ થઈ હતી.ચોમાસાની શરૂઆતથી જ મુંબઈમાં વરસાદનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે. એમાંય બુધવાર અને ગુરુવારે તો વરસાદે જાણે આફત કરી હોય તેમ 11 વર્ષના વિદ્યાર્થી સહિત બે જણે જીવ ગુમાવ્યા હતા. ગુરુવારની મધરાતથી અનરાધાર વરસી રહેલા વરસાદે શુક્રવારની બપોર સુધી તો મુંબઈને જાણે ધમરોળી નાખ્યું હતું.

મુંબઈ મહાનગરપાલિકાના આંકડા દર્શાવે છે કે ગુરુવારની સવારે આઠ વાગ્યાથી શુક્રવારની સવારે છ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ મુંબઈના વાડી બંદર ખાતે 150.2 મિ.મી. પડ્યો હતો. ત્યાર બાદ મલબાર હિલમાં 145.8 મિ.મી., બી વૉર્ડ અને મેમણવાડામાં 140 મિ.મી. વરસાદની નોંધ થઈ હતી.પશ્ર્ચિમ ઉપનગરોમાં અંધેરીમાં 136.6 મિ.મી અને કે-ઈસ્ટ વૉર્ડ ઑફિસ ખાતે 134.6 મિ.મી. વરસાદ નોંધાયો હતો. પૂર્વ ઉપનગરોમાંથી સૌથી વધુ વરસાદની નોંધ માનખુર્દમાં 11.8 મિ.મી. થઈ હતી.

શુક્રવારની સવારે આઠથી એક વાગ્યા સુધીના માત્ર પાંચ કલાકમાં જ બાન્દ્રામાં 73.8 મિ.મી. વરસાદ નોંધાયો હતો. ત્યાર બાદ દક્ષિણ મુંબઈના જી-સાઉથ વૉર્ડ ઑફિસમાં 72.2 મિ.મી. વરસાદની નોંધ થઈ હતી. પૂર્વ પરામાં પણ વરસાદ જોરદાર રહ્યો હતો. ચેમ્બુરમાં 63.8 મિ.મી. વરસાદ પડ્યો હોવાનું પાલિકાનું કહેવુું છે.હવામાન ખાતાએ આગામી 24 કલાક માટે મુંબઈ શહેર અને ઉપનગરોમાં મુશળધાર અને અતિભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ દર્શાવાઈ છે.

દરમિયાન ગુરુવારની મધરાતે પડેલા મુશળધાર વરસાદને અને સમુદ્રમાં ભરતીને કારણે ગાંધી માર્કેટ, મહાલક્ષ્મી જંક્શન, નૅશનલ ઓલ્ડ માર્કેટ, ચેમ્બુર, સાકીનાકા, ઘાટકોપર, કુર્લા અને અંધેરી સબ-વેમાં પાણી ભરાયાં હતાં. આ દરેક સ્થળે પમ્પથી પાણી કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી. પાણી ભરાવાને કારણે અનેક ઠેકાણે ટ્રાફિક જૅમની સ્થિતિ હતી. સવારના સમયે લોકલ ટ્રેનો મોડી દોડતી હોવાની ફરિયાદો પ્રવાસીઓએ કરી હતી.

ટીપે ટીપે જળાશયો ભરાય છે...
પાંચ દિવસ સતત પડેલા વરસાદને કારણે જળાશયોમાં પાણીની સપાટી ધીરે ધીરે વધી રહી હોવાનું પાલિકાના અહેવાલ પરથી જણાય છે. ગુરુવારે મધરાતે ઉપરવાસમાં સારો વરસાદ પડવાને કારણે મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં પાણીની આવક વધી રહી છે. જોકે હજુ ખાસ્સી લાંબી મજલ કાપવાની બાકી હોવાથી પાણીકાપની સમસ્યાનું સમાધાન હાલ તુરંત મળે એવું જણાતું નથી. અપર વૈતરણા અને મોડક સાગરમાં ગુરુવાર કરતાં શુક્રવારની સવારે પાણીની સારી આવક નોંધાઈ હોવાનું કહેવાય છે.

ઘાટ પરિસરમાંથી વાહન સંભાળીને ચલાવજો
વરસાદી માહોલની મજા માણવા હિલ સ્ટેશન તરફ જવાનું મુંબઈગરાઓ વિચારતા હોય તો ઘાટ પરિસરમાં સંભાળીને વાહન ચલાવવાની સલાહ છે. મુંબઈ-થાણેની જેમ નાશિક, પુણે અને સાતારાના ઘાટ વિસ્તારોમાં પણ શનિવારે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાશિક અને પુણેના ઘાટ પરિસરમાં તો રવિવારે પણ રેડ અલર્ટ રહેશે, જ્યારે સોમવારે ઑરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારમાં મેઘતાંડવની સાથે તોફાની પવન ફૂંકાવાની શક્યતા પણ વર્તાવાઈ છે.

ભાયંદરમાં નાળિયેરનું ઝાડ પડતાં ભૂતપૂર્વ ડેપ્યુટી મેયરના પુત્રનું મૃત્યુ
થાણે: બાઈક પર પસાર થતા ભૂતપૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર પણ નાળિયેરનું ઝાડ તૂટી પડતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. હૉસ્પિટલમાં બે દિવસની સારવાર પછી તેનું મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ મુર્ધાગાંવમાં રહેતો મૃતક રાહુલ અશોક પાટીલ (35) મીરા-ભાયંદર મહાનગરપાલિકાના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયરનો પુત્ર હતો. બુધવારે રાહુલ બાઈક પર ભાયંદરના સદાનંદ નગર પાસેથી પસાર થતો હતો ત્યારે જોરદાર વરસાદ અને ઝડપી પવનને કારણે મૂળસોતું ઊખડેલું ઝાડ તેના પર પડ્યું હતું. ગંભીર હાલતમાં સારવાર માટે તેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યારે બે દિવસ પછી તેનું મૃત્યુ થયું હતું. (પીટીઆઈ)