Thu Jun 18 2026

Logo

હાર્દિક પંડ્યા વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં પણ ફરિયાદ...

2026-03-13 16:37:48
Author: Ajay Motiwala
Article Image

લખનઊઃ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) રવિવારે અમદાવાદમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલની જીત બાદ સેલિબ્રેશન દરમ્યાન ખભા પર રાષ્ટ્રધ્વજ (Tri colour) ઓઢીને ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે રૉમેન્ટિક મૂડમાં જોવા મળ્યો એ વર્તનની બદલ હાર્દિક વિરુદ્ધ મહારાષ્ટ્ર બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પુણેમાં શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં વકીલ વજીદ ખાને હાર્દિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ત્યાર પછી હવે ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં હાથરસ ગેટ પોલીસ સ્ટેશનમાં નગલા નંદુ ગામમાં રહેતા વિશ્વપ્રતાપ સિંહ રાણાએ હાર્દિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં, તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ હાર્દિકના આ વર્તન સામે પોતાનો વિરોધ વ્યક્ત કરતો પત્ર મોકલ્યો છે.

વિશ્વપ્રતાપ સિંહે હાર્દિક વિરુદ્ધ કડક પગલાં ભરવાની માગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે ભારતીય ટીમના વિજય પછીના સેલિબ્રેશનને લઈને જે વીડિયો બહાર આવ્યા છે એમાંના એક વીડિયોમાં હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ સાથે જીતનું જશન માણી રહ્યો હતો ત્યારે હાર્દિકે રાષ્ટ્રધ્વજની ગરિમાને નુકસાન પહોંચાડનારું વર્તન કર્યું હતું.

ફરિયાદીએ જણાવ્યું હતું કે `તિરંગો દેશની શાન છે તેમ જ સન્માનનું પ્રતીક છે. તિરંગો સાથે રાખીને આવું વર્તન કરવું કરોડો ભારતીયોની ભાવનાને હાનિ પહોંચાડવા સમાન કહેવાય. આ સમગ્ર કિસ્સામાં હાર્દિક સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ.'