Mon Sep 07 2026

Logo

દહીં-હાંડી ઉત્સવ માતમમાં ફેરવાયો! પુણેમાં લોખંડનો એંગલ પડતાં મહિલાનું મૃત્યુ

2026-09-05 16:14:00
Author: Darshana Visaria
દહીં-હાંડી ઉત્સવ માતમમાં ફેરવાયો! પુણેમાં લોખંડનો એંગલ પડતાં મહિલાનું મૃત્યુ

પુણેઃ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં દહીં-હાંડી ઉત્સવની ઉજવણી બાદ એક અત્યંત કરુણ અને દર્દનાક અકસ્માત સર્જાયો છે. ઉત્સવ પૂર્ણ થયા બાદ જ્યારે મંડળના કાર્યકર્તાઓ ટેન્ટ અને સ્ટેજનું લોખંડનું સ્ટ્રક્ચર હટાવી રહ્યા હતા, ત્યારે ભારેખમ લોખંડનો એંગલ અચાનક નીચે ઊભેલી એક ૪૫ વર્ષીય મહિલા પર પડ્યો હતો.

આ ભયાનક દુર્ઘટનામાં ગંભીર ઈજા થવાને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના પુણેના જૂની સાંગવી વિસ્તારમાં બની હતી. મૃતક મહિલાની ઓળખ સલમા સલાઉદ્દીન પઠાણ (45) તરીકે થઈ છે. આ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.

લોખંડનો ભારેખમ એંગલ સીધો માથા પર પડ્યો:
પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસના જણાવ્યા અનુસાર, સલમા પઠાણ દહીં-હાંડીનો કાર્યક્રમ જોવા માટે આવ્યા હતા. કાર્યક્રમ સંપન્ન થયા બાદ રાત્રે આશરે 11 વાગ્યે મંડળના કાર્યકર્તાઓ દહીં-હાંડી માટે ઊભું કરાયેલું તોતિંગ લોખંડનું માળખું ઉતારી રહ્યા હતા. તે દરમિયાન એક મોટો અને વજનદાર ભાગ અચાનક હાથમાંથી છટકીને નીચે ઊભેલાં સલમાબહેનના માથા પર સીધો પડ્યો હતો. ઈજા એટલી ગંભીર હતી કે તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

મૃતક મહિલાનો પુત્ર એ જ મંડળમાં હતો કાર્યકર્તા
આ સમગ્ર ઘટનામાં સૌથી કરુણ બાબત એ છે કે મૃતક સલમાબહેનનો પુત્ર તે જ દહીં-હાંડી મંડળમાં સક્રિય કાર્યકર્તા તરીકે જોડાયેલો હતો. પુત્ર મંડળ સાથે જોડાયેલો હોવાથી પઠાણ પરિવારે મંડળ વિરુદ્ધ કોઈ ઔપચારિક પોલીસ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો છે. જોકે, પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એક્સિડન્ટલ ડેથનો કેસ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ઉત્સવોમાં અસ્થાયી સ્ટ્રક્ચર્સની સુરક્ષા સામે ફરી ઉઠ્યા સવાલો
આ ઘટનાએ સાર્વજનિક ઉત્સવોમાં ઊભા કરાતા તોતિંગ લોખંડના મંડપો અને અસ્થાયી સ્ટ્રક્ચર્સની સલામતી અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં થાણેના બદલાપુરમાં પણ દહીં-હાંડી દરમિયાન સેફ્ટી બેલ્ટ તૂટવાથી ઊંચાઈ પરથી એક નાનો ગોવિંદા નીચે પટકાયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે લેટેસ્ટ દુર્ઘટનાની વાત કરીએ તો મુંબઈના ભુલેશ્વર ખાતે ભુલેશ્વર ચા રાજાના આગમન સમયે પણ દુર્ઘટના સર્જાતા મંડળના બે કાર્યકર્તાઓના મૃત્યુ થયા હતા.