Tue Oct 06 2026

Logo

પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવ્યો, બ્લેકમેઇલ કરી લાખો રૂપિયા વસૂલ્યા: પોલીસ સહિત સાત વિરુદ્ધ ગુનો

2026-09-05 16:49:22
Author: Yogesh D. Patel
પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવ્યો, બ્લેકમેઇલ કરી લાખો રૂપિયા વસૂલ્યા: પોલીસ સહિત સાત વિરુદ્ધ ગુનો

થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં રહેનારા 56 વર્ષના પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવવા તેમ જ તેનો વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા વસૂલવા બદલ પોલીસ કર્મચારી સહિત સાત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ગુરુવારે દાખલ કરવામાં આવેલા એફઆઇઆર અનુસાર કલ્યાણમાં રહેતા અને ખાનગી કંપનીમાં કામ કરતા ફરિયાદીને 28 વર્ષની મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો અને તેનો વાંધાજનક વીડિયો શૂટ કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
મહિલા અને તેના સાથીદારોએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ફરિયાદી પાસેથી છેલ્લા ત્રણ મહિનામાં 17.65 લાખ રૂપિયા વસૂલ્યા હતા. 

ફરિયાદીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308 (2) (ખંડણી) હેઠળ સાત જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. એફઆઇઆરમાં ડોંબિવરીમાં રહેતી સીમા જગતાપ, તેની માતા ભારતી ઠાકુર (55), તેનો પતિ સુમિત સિંહ અને પોલીસ કોન્સ્ટેબલ સહિત અન્ય ત્રણ જણને આરોપી બતાવવામાં આવ્યા છે.

આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ આરોપીઓની શોધ ચલાવવામાં આવી રહી છે. આ કેસમાં હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)