Thu Jul 02 2026

Logo

51થી વધુ ગુનામાં સંડોવાયેલો રીઢો આરોપી તેના સાથી સાથે પકડાયો

2026-07-02 18:11:01
Author: Yogesh C. Patel
Article Image

આ વર્ષના ચોરી-ચેન સ્નેચિંગના 11 કેસ ઉકેલાયા: 10.32 લાખના દાગીના હસ્તગત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: 51થી વધુ ગુનામાં સંડોવાયેલો રીઢો આરોપી 32 જેટલા ગુનામાં સંડોવાયેલા તેના સાથી સાથે નવી મુંબઈના કોપરખૈરાણેથી પકડાઈ ગયો હતો. આરોપીનીઓની પૂછપરછમાં આ વર્ષે જ નોંધાયેલા ચોરી-ચેન સ્નેચિંગના 11 ગુના ઉકેલાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓએ ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ યુસુફ રશીદ શેખ ઉર્ફે દીપક ઉર્ફે રાહુલ (42) અને નૌશાદ મુસ્તાક આલમ ઉર્ફે સાગર (32) તરીકે થઈ હતી. તેમની પાસેથી 10.32 લાખ રૂપિયાના સોનાના દાગીના અને બે બાઈક જપ્ત કરવામાં આવી હતી.

નવી મુંબઈના કોપરખૈરાણે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ચોરીની ઘટનાની તપાસમાં પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓએ સાતમી જૂનની રાતે સેક્ટર-12માં બોનકોડે પરિસરમાં આવેલી એક ઈમારતના બે ફ્લૅટમાં ચોરી હતી. ફરિયાદી પ્રમોદ વાદળના બંધ ફ્લૅટનું લૉક તોડી આરોપીએ 15.55 લાખના દાગીના અને રોકડ ચોરી હતી. બાદમાં પડોશમાં રહેતા સંજય નાગરેના ફ્લૅટમાંથી 40 હજારની રોકડ ચોરી હતી.

પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે બે શકમંદને ઓળખી કાઢ્યા હતા. બન્ને રેકોર્ડ પરના આરોપી હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું. આરોપી યુસુફ શેખ વિરુદ્ધ મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં ચોરી, બૅગ લિફ્ટિંગ, કાર ટેપ ચોરીના 51 ગુના નોંધાયેલા છે. માર્ચમાં જામીન પર છૂટ્યા પછી તે ફરી ચોરીને રવાડે ચડ્યો હતો.

આરોપી નૌશાદ આલમ વિરુદ્ધ પણ ચોરી, ચેન સ્નેચિંગ જેવા 32 ગુના નોંધાયેલા છે અને તે જાન્યુઆરીમાં જ જામીન પર છૂટ્યો હતો. બન્ને આરોપી પોતાના ઘરે રહેવાને બદલે વારંવાર ઠેકાણાં બદલી મીરા-ભાયંદર, ચેમ્બુર, મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં લોજ તેમ જ ડોરમેટરીમાં રહેતા હતા. બન્ને આરોપી કોપરખૈરાણેમાં ફરી ચોરીને ઇરાદે આવવાના હોવાની માહિતીને આધારે પોલીસે છટકું ગોઠવી તેમને પકડી પાડ્યા હતા. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.