અમદાવાદઃ પહેલી ઓક્ટોબરના રોજ ગુજરાત સરકારના ગેઝેટમાં પ્રકાશિત થયેલા ગુજરાત સમાન નાગરિક સંહિતા, ૨૦૨૬ એટલે કે ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ- 2026 લગ્ન, છૂટાછેડા, વારસાગત હક, વસિયતનામા અને લિવ-ઈન રિલેશનશિપને આવરી લેવામાં આવ્યા છે. આ કાયદાને ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી, પરંતુ તે રાજ્ય સરકાર દ્વારા અલગથી જાહેર કરવામાં આવનારી તારીખથી જ અમલમાં આવશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.
આ યુસીસીના નિયમોમાં લિવ ઈન રિલેશનશિપ અંગેની જોગવાઈઓનો પણ સમાવેશ થાય છે. લિવ-ઇન રિલેશનશિપ માટે એક અલગ કાનૂની માળખું ઊભું કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આવા સંબંધોમાં રહેતા બે વ્યક્તિએ રજિસ્ટ્રાર સમક્ષ એક નિવેદન રજૂ કરવું આવશ્યક રહેશે. આ બન્ને વ્યક્તિ ગુજરાતના વતની હોય કે ન હોય તેમણે નિવેદન રજૂ કરવું પડશે. રાજ્યની બહાર લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા ગુજરાતના રહેવાસીઓ પણ સંબંધિત રજિસ્ટ્રાર સમક્ષ આવું નિવેદન રજૂ કરી શકે છે.
રજિસ્ટ્રાર તપાસ હાથ ધરશે અને જરૂર જણાશે તો વધારાની માહિતી અથવા પુરાવા પણ માગી શકે છે. નોંધણીની પ્રક્રિયા ૩૦ દિવસની અંદર પૂર્ણ કરવાની અપેક્ષા છે, નહીતર રજિસ્ટ્રારે નોંધણી નકારવા માટેના કારણો જણાવવા પડશે.કાયદામાં એવી જોગવાઈ પણ છે કે લિવ-ઇન રિલેશનશિપ દરમિયાન જન્મેલા બાળકને તે યુગલના કાયદેસરના સંતાન તરીકે ગણવામાં આવશે. જોકે સરકારે રજિસ્ટ્રેશન માટે અમુક નિયમો પણ બનાવ્યા છે.
લિવ-ઇન રિલેશનશિપની નોંધણી ત્યારે થઈ શકતી નથી જ્યારે કોઈ એક પાર્ટનર પહેલેથી જ પરણિત હોય અથવા અન્ય કોઈ નોંધાયેલી લિવ-ઇન રિલેશનશિપમાં હોય, કોઈ એક પાર્ટનર સગીર હોય, અથવા સંબંધો અમુક પ્રતિબંધિત શ્રેણીમાં આવતા હોય, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. લિવ-ઇન' રિલેશનની નોંધણીની જોગવાઈઓમાં અમુક સંજોગોમાં પોલીસ અથવા માતા-પિતાની સાથે સંપર્ક સાધવાની પણ પરવાનગી છે. રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવેલા નિવેદનો રેકોર્ડ માટે સ્થાનિક પોલીસ સ્ટેશનને મોકલવાના હોય છે.
જો બંનેમાંથી કોઈ પણ પાર્ટનરની ઉંમર ૨૧ વર્ષથી ઓછી હોય, તો રજિસ્ટ્રારે માતા-પિતા કે વાલીઓને પણ જાણ કરવી જરૂરી છે. જો રજિસ્ટ્રારને સંબંધ શંકાસ્પદ લાગે અથવા તે સંબંધ પ્રતિબંધિત શ્રેણીમાં આવતો હોવાનું જણાય, તો યોગ્ય કાર્યવાહી માટે પોલીસને જાણ કરવામાં આવી શકે છે.આજકાલ ઘણા લોકો લિવ ઈન રિલશનશિપમાં રહે છે અથવા રહેવા માગે છે, પરંતુ આ વ્યવસ્થા ઘણા કાયદાકીય પ્રશ્નો ઊભા કરતી હોય છે, ત્યારે ગુજરાત સરકારે આ માટે એક ખાસ ફેમવર્ક ઊભું કર્યું છે.