Fri Jun 19 2026

Logo

ગુજરાતના 48 તાલુકાઓમાં પ્રી-મોન્સૂન ધમાકેદાર શરૂઆત; ગળતેશ્વરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ

2026-06-19 20:39:36
Author: Devayat Khatana
Article Image

Chat GPT Generated Image


(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને તેના ભાગરૂપે રાજ્યના ઘણા ભાગમાં છેલ્લા બે દિવસથી છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 48 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ખેડા જિલ્લાના ગલતેશ્વરમાં અંદાજે 2.91 ઇંચ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત  પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, દાહોદ, ભાવનગર સહિતના જિલ્લામાં વરસાદ પડ્યો હતો. 

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા આપવામાં આંકડા અનુસાર,  સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 48 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડા જિલ્લાના ગલતેશ્વરમાં અંદાજે 2.91 ઇંચ વરસાદ સાથે સૌથી વધુ વરસાદ પડ્યો હતો. પંચમહાલ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં કાલોલ તાલુકામાં 2.52 ઇંચ, ગોધરામાં 2.48 ઇંચ, મોરવા હડફમાં 48 મીમી અને ઘોઘંબામાં 43 મીમી વરસાદ ખાબક્યો હતો. આ સિવાય છોટાઉદેપુરના બોડેલીમાં પણ 2.2 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.  

 મધ્ય અને દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. વડોદરાના દેસરમાં 33 મીમી અને નર્મદાના તિલકવાડામાં 25 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત દાહોદ જિલ્લાના ફતેપુરા, દાહોદ શહેર અને ગોવિંદ ગુરુ લીમડી જેવા તાલુકાઓમાં 24-24 મીમી વરસાદ નોંધાયો હતો. સુરતના કામરેજમાં 20 મીમી, મહીસાગરના સંતરામપુરમાં 19 મીમી અને નવસારીના ગણદેવીમાં 7 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે ભાવનગરના વલ્લભીપુર અને શિહોર તેમજ વલસાડ પંથકમાં પણ હળવો વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.  

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી રાજ્યના જુદા જુદા જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે 21 અને 22 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ત્યારબાદ 26મી જૂન સુધી  દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.