Wed Aug 19 2026

Logo

બેંક ફ્રોડમાં મહારાષ્ટ્ર મોખરે,  ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે

2026-08-04 09:48:00
Author: Mayur Patel
Article Image

ગુજરાતમાં 3 વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપિંડી થઈ, જેની સામે વસૂલાત માત્ર 2.6%
 
અમદાવાદ: ગુજરાતમાં બેંક ફ્રોડની ઘટનામાં તોતિંગ ઉછાળો આવ્યો છે. છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં  બેંક ફ્રોડથી 3708 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે, જ્યારે તેની સામે વસૂલાતનો દર માત્ર 2.6 ટકા જ છે. બેંક ફ્રોડમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે અને મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે હોવાનો આરબીઆઈના રિપોર્ટમાં ખુલાસો થયો છે.

ત્રણ વર્ષમાં તોતિંગ ઉછાળો

રિપોર્ટ પ્રમાણે, ફ્રોડની રકમમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2023-24માં સાયબર ફ્રોડની રકમ રૂ. 986.2 કરોડથી 30.4% વધીને 2024-25માં રૂ. 1,285.9 કરોડ થઈ હતી, જે 2025-26માં 11.6% વધીને રૂ. 1,435.6 કરોડ સુધી પહોંચી હતી. એકંદરે, ત્રણ વર્ષ પહેલાંની સરખામણીએ નોંધાયેલી છેતરપિંડીનું મૂલ્ય 45.6% વધી ગયું છે.

મહારાષ્ટ્ર મોખરે, દિલ્હી બીજા ક્રમે

આ ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન માત્ર મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને તમિલનાડુમાં જ ગુજરાત કરતાં વધુ છેતરપિંડી નોંધાઈ છે. મહારાષ્ટ્ર રૂ. 32,297.9 કરોડ સાથે યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ દિલ્હી રૂ. 16,396.6 કરોડ સાથે બીજા અને પશ્ચિમ બંગાળ રૂ. 10,309.6 કરોડ સાથે ત્રીજા ક્રમે છે. 

આ લોકો બની રહ્યા છે સૌથી વધુ ભોગ

સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં બેંકિંગ ફ્રોડના ટ્રેન્ડમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. લોકો હજુ પણ નકલી APK લિંક્સ, બેંક અધિકારી બનીને આવતા બોગસ KYC અપડેટના મેસેજ અને ક્રેડિટ કાર્ડ ઓફર કે બિલ પેમેન્ટના બહાને બેંકિંગ વિગતો શેર કરીને ઠગાઈનો ભોગ બની રહ્યા છે. ભોગ બનનારાઓમાં મોટી સંખ્યામાં વૃદ્ધો છે જેઓ ટેકનોલોજીથી બહુ પરિચિત નથી.

છેતરપિંડીના નાણાં પાછા મેળવવા અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે જો પીડિત વ્યક્તિ ફ્રોડ થયાના પહેલા એક કલાક (ગોલ્ડન અવર) ની અંદર જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર જાણ કરે તો નાણાં ફ્રીઝ થવાની કે પરત મળવાની વધારે શક્યતા રહે છે. સમયસર રિપોર્ટિંગ કરવાથી બેંકો અને અન્ય એજન્સીઓ ઝડપથી કાર્યવાહી કરી શકે છે. જોકે, ઘણા પીડિતો પોલીસ કે સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરવામાં વિલંબ કરે છે, જેનાથી પૈસા પાછા મળવાની શક્યતા ઘટી જાય છે.

ત્રણ વર્ષમાં 6 રાજ્યોમાં કુલ રૂ. 72,000 કરોડથી વધુની છેતરપિંડી 

આંકડા મુજબ  ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન દેશના મુખ્ય 6 રાજ્યોમાં કુલ રૂ. 72,000 કરોડથી વધુની છેતરપિંડી થઈ છે, જેમાં ગુજરાત પણ આ મોટા મૂલ્ય ધરાવતા રાજ્યોની યાદીમાં સામેલ છે. રિકવરી વધવા છતાં, કુલ છેતરપિંડીની રકમમાંથી ખૂબ જ નાનો હિસ્સો પાછો મેળવી શકાયો હતો. ગુજરાતમાં છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં નોંધાયેલા રૂ. 3,707.67 કરોડના ફ્રોડમાંથી બેંકો માત્ર રૂ. 96.58 કરોડ એટલે કે માંડ 2.6% જ રિકવર કરી શકી હતી.

પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ રિકવરી

અન્ય મોટા રાજ્યોમાં પણ સ્થિતિ આવી જ છે. મહારાષ્ટ્ર રૂ. 32,297.9 કરોડમાંથી 3% રકમ જ રિકવર કરી શક્યું હતું, જ્યારે કર્ણાટકનો રિકવરી રેટ 2.3% રહ્યો હતો. પશ્ચિમ બંગાળ આમાં અપવાદ રહ્યું હતું, જેણે આ સમયગાળા દરમિયાન રૂ. 10,309.6 કરોડમાંથી 16.1% રકમ રિકવર કરી હતી. આમ છતાં, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં ગુજરાત અન્ય મોટા ઔદ્યોગિક રાજ્યો જેમ કે કર્ણાટક રૂ. 2,916 કરોડ, ઉત્તર પ્રદેશ રૂ. 2,699.7 કરોડ અને પંજાબ રૂ. 2,253.9 કરોડ કરતાં ફ્રોડની રકમમાં આગળ રહ્યું હતું.