Fri Apr 17 2026

Logo

AI અને ક્લાઉડનો યુગ શરૂઃ ગુજરાત સરકારે AI સ્ટેક અને ક્લાઉડ ગાઇડલાઇન્સ કરી જાહેર

2025-12-11 14:55:48
Author: Mayur Kumar Patel
Article Image

ગાંધીનગરઃ મહાત્મા મંદિર ખાતે  ‘Regional AI Impact Conference’નો પ્રારંભ થયો હતો. જેમાં મુખ્ય પ્રધાન  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. જે ગુજરાતને AI-સંચાલિત રાજ્ય બનાવવાની દિશામાં આગળ વધારવાનો રાજ્ય સરકારનો પ્રયાસ દર્શાવે છે. આ દરમિયાન સરકારી વિભાગો માટે છ "પ્લગ-એન્ડ-પ્લે" AI ટૂલ્સ ધરાવતો ગુજરાત AI સ્ટેક લોન્ચ કરવામાં આવ્યો હતા. 

આ 6 AI સ્ટેક ટૂલ્સ લોન્ચ કરાયા

આ ટૂલ્સમાં એગ્રીકલ્ચર AI, સ્કીમ એલિજિબિલિટી વેરિફિકેશન, પ્રોક્યોરમેન્ટ ચેટબોટ (ખરીદી ચેટબોટ), ગ્રિવન્સ ક્લાસિફાયર (ફરિયાદ વર્ગીકારક), ડોક્યુમેન્ટ એક્સ્ટ્રેક્ટર (દસ્તાવેજ નિષ્કર્ષક), ચેટ મેનેજમેન્ટ ટૂલનો સમાવેશ થાય છે. આ  ટૂલ્સનો હેતુ શાસનને વધુ ઝડપી, સચોટ અને નાગરિક-કેન્દ્રિત બનાવવાનો છે.

ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના એક મુખ્ય પગલા તરીકે, ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ ૨૦૨૫ નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ગાઇડલાઇન્સ રાજ્યના ડિજિટલ શાસનને વધુ સુરક્ષિત, સ્કેલેબલ અને AI-તૈયાર બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેનાથી MeitY-એમપેનલ્ડ ક્લાઉડ સેવાઓ અને રાષ્ટ્રીય GPU કમ્પ્યુટ સંસાધનોની સરળ પહોંચ સક્ષમ બનશે.

આ કાર્યક્રમ દરમિયાન બે મહત્વના MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. (1) ગુજરાત સરકાર – Google – BHASHINI: મલ્ટિલિંગ્યુઅલ AI, ગુજરાતી ભાષાના મૉડલ્સના વિકાસ અને ડિજિટલ જાહેર સેવાઓને વધારવા માટે વ્યૂહાત્મક ભાગીદારી. (2) ગુજરાત સરકાર – GIFT સિટી – Henox: ગુજરાતમાં કેબલ લેન્ડિંગ સ્ટેશન (CLS) સ્થાપિત કરવા માટેનો કરાર. આનાથી રાજ્ય વૈશ્વિક ડિજિટલ કનેક્ટિવિટીના હબ તરીકે સ્થાન પામશે અને ગ્રીન ડેટા સેન્ટર્સને પ્રોત્સાહન મળશે.