Tue Jun 23 2026

Logo

ઇન્ટરનેટ પર માણસો કરતાં AI બોટ્સ વધી, ગૂગલે કઈ નવી સિસ્ટમ તૈયાર કરીને સૌને ચોંકાવી દીધા?

California   2026-06-23 17:26:24
Author: Mumbai Samachar Team
Article Image

કેલિફોર્નિયાઃ આજના સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના આવ્યા પછી ઘણા બધા પરિવર્તન આવી રહ્યા છે. ખાસ કરીને દરેક વિડિયો અને ફોટોમાં એક રિયાલિસ્ટિક ટચ મળી રહેતા ઓળખવું મુશ્કેલ બને છે કે, વસ્તુ એઆઈ જનરેટેડ છે કે, ખરેખર કોઈ માણસે બનાવી છે.આટલા સુધી તો વાત ઠીક છે પણ ઓટોમેશનની દુનિયામાં હવે માણસ કરતા એઆઈ આધારિત ચેટબોટની સંખ્યા વધી ગઈ છે.

જે માણસની વિચારવાની ગતિ કરતા બમણી સ્પિડથી જવાબ આપી દે છે અને સામે વાળા વ્યક્તિને સરળતાથી આંજી દે છે, પ્રભાવિત કરી દે છે. પહેલીનજરે તો એવું જ લાગે છે કે, કોઈ વ્યક્તિ એમના સવાલના જવાબ આપી રહી છે પણ હકીકત એવી હોતી નથી. આ માટે એક ચેટબોટ કામ કરતું હોય છે. 

પહેલીવાર બન્યું આવું

ઈન્ટરનેટ પર ઈતિહાસમાં પહેલીવાર માણસો કરતાં AI બોટ્સનો ટ્રાફિક વધી ગયો છે, જે સતત ઈનપુટ-આઉટપુટ આપી રહ્યા છે. ઈન્ટરનેટ ટ્રાફિક પર એંગ્જમેન્ટ વધારી રહ્યા છે. આ વધતા જોખમને જોતાં, ગૂગલ (Google) એક નવું અને અત્યંત સુરક્ષિત 'reCAPTCHA System' રોલ આઉટ કરવા જઈ રહ્યું છે. આ નવી સિસ્ટમમાં યુઝર્સે પોતે ખરેખર એક માણસ છે એવું હોવાનું સાબિત કરવા માટે કેમેરા સામે પોતાનો હાથ હલાવવો પડશે.આ કામ કોઈ મશીન ન કરી શકે, ગૂગલ કંપનીએ આ વિચાર કરીને એક સિસ્ટમ તૈયાર કરી છે. 27 એપ્રિલે પહેલીવાર એવું જોવા મળ્યું કે, ઈન્ટરનેટ પર માણસ કરતા ચેટબોટ વધી ગયા હતા. 

કેવી રીતે કામ કરશે આ નવી સિસ્ટમ?

હાલના ટ્રેડિશનલ કેપ્ચા સિસ્ટમમાં યુઝર્સે ટ્રાફિક લાઇટ, બસ કે કાર જેવા ચિત્રો ઓળખવા પડે છે, પરંતુ એઆઈ બોટ્સ એટલા સ્માર્ટ થઈ ગયા છે કે તેઓ આ પડકારને પલક ઝપકાવતા જ પાર કરી લે છે. આ નકલી એકાઉન્ટ્સ અને ઓનલાઈન ફ્રોડને રોકવા માટે ગૂગલ નવો ઉકેલ લઈને આવી રહ્યું છે. ખાસ કરીને ગમે તે રીતે લોકોને એંગેજ રાખતા અને ફેક ફ્લો વધારતા આવા બોટ સામે ગૂગલે પોતાની જ એક સિસ્ટમ તૈયાર કરી લીધી છે.

કેમેરા એક્સેસ અંતર્ગત જ્યારે કોઈ વેબસાઇટ પર વેરિફિકેશન કરશો, ત્યારે બ્રાઉઝર તમારા ડિવાઇસના કેમેરાનો એક્સેસ માંગશે.એના પર જે તે વ્યક્તિ પોતાનો હાથ હલાવીને અને આઈ બ્લિંક કરીને પોતાની ઓળખ આપી શકશે. આનાથી ઑપરેટ કરનાર કોઈ બોટ નહીં માણસ છે એ પુરવાર થશે. 

સૌથી ખાસ અને સેફ પાસું

સિસ્ટમ તમારા હાથની મૂવમેન્ટને રેકોર્ડ કરીને ગૂગલને મોકલાશે, જેનાથી કન્ફર્મ થશે કે રિક્વેસ્ટ કરનાર કોઈ એઆઈ બોટ નથી. ગૂગલ કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, આ નવું ફીચર સંપૂર્ણપણે વૈકલ્પિક રહેશે. એટલે કે જે યુઝર્સ પોતાનો વિડિયો રેકોર્ડ કરવા નથી માંગતા, તેઓ પહેલાની જેમ જ ઓડિયો અથવા ઇમેજ ચેલેન્જ પસંદ કરીને પોતાનું વેરિફિકેશન કરી શકશે.આ વેરિફિકેશન થયા બાદ જ કેટલીક સાઈટના એક્સેસ મળી રહેશે. હાથ હલાવવાનો આ વિડિયો યુઝરની પર્સનલ આઇડેન્ટિટી (ઓળખ) સાથે લિંક કરવામાં નહીં આવે. આ વીડિયોમાં કોઈ પણ પ્રકારનો ઓડિયો રેકોર્ડ થશે નહીં.

વેરિફિકેશન પ્રક્રિયા પૂરી થતાં જ આ વિડિયો સિસ્ટમમાંથી કાયમ માટે ડિલીટ કરી દેવામાં આવશે.આના પરથી એ વાત સાબિત થાય છે કે, જે તે વેરિફિકેશન સંબંધિત જે ડેટા આપવામાં આવે છે એ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

ગૂગલને કેમ પડી આની જરૂર?

એઆઈ પાવર્ડ બોટ્સ જૂના કેપ્ચા સિસ્ટમને સરળતાથી બાયપાસ કરી રહ્યા છે. ઇન્ટરનેટ પર નકલી અકાઉન્ટ્સ બનાવીને થતા સાયબર ક્રાઇમ અને ફ્રોડને રોકવા માટે ગૂગલ આ નવો પ્રયોગ કરી રહ્યું છે, જેથી ઇન્ટરનેટ પર સુરક્ષાનો એક નવો સ્તર તૈયાર કરી શકાય. અત્યાર સુધી જે કેપ્ચા આપવામાં આવતા હતા એ તમામ બોટ સરળતાથી પાસઆઉટ કરી લેતું હતું.

આના કારણે કેટલાક ડેટા સુધી પહોંચવું ફ્રોડ કરનારા માટે સરળ થઈ જતું હતું. આ પછી ફેક એકાઉન્ટથી ઘણી બધી છેત્તરપિંડી થતી હતી. હવે તો નવી સિસ્ટમ અંતર્ગત નવી પ્રોફાઈલ બનાવવા માટે પણ આ સિસ્ટમ લાગુ કરે એવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. જો આ સિસ્ટમ દરેક જગ્યાઓ પર યોગ્ય રીતે અમલી બની તો ફેક એકાઉન્ટ રાખનારા ફ્રોડની ટોળકીને ભારે પડશે અને કેટલાક કેસ ઝડપથી ઉકેલી શકાશે.