Wed Aug 19 2026

Logo

ફાયનાન્સ ફંડાઃ નાણાકીય સરખામણીની છૂપી કિંમત

2026-08-18 09:38:00
Author: Mitali Mehta
Article Image

મિતાલી મહેતા


રિતેશ અને કુણાલ કોલેજના સમયથી જ નજીકના મિત્રો. બંનેએ લગભગ એક જ સમયે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને વર્ષો પછી પણ તેઓ સમયાંતરે મળીને એકબીજાના જીવનની વાતો કરતા.

એક સાંજે, કુણાલે ઉત્સાહથી જણાવ્યું કે તેણે શહેરના એક પ્રીમિયમ વિસ્તારમાં વૈભવી એવો એક નવો એપાર્ટમેન્ટ બુક કર્યો છે. થોડા મહિનાઓ પછી તેણે નવી SUV કાર પણ ખરીદી. સોશ્યલ મીડિયા પર પણ તેના વિદેશ પ્રવાસ, ફાઇન-ડાઇન રેસ્ટોરન્ટમાં જમવાના ફોટા અને વૈભવી જીવનશૈલીની તસવીરો સતત જોવા મળતી.

આ બધું જોઈને રિતેશના મનમાં એક સહજ પ્રશ્ન થયો: જો કુણાલ આ બધું કરી શકે છે, તો હું કેમ નહીં?

રિતેશની પોતાની નાણાકીય સ્થિતિ પણ સારી હતી, છતાં તેને લાગવા માંડ્યું કે જાણે તે જીવનમાં પાછળ રહી ગયો છે.

થોડા જ સમયમાં તેણે પણ મોટું ઘર ખરીદ્યું અને તેના માટે મોટી હોમ લોન લીધી. પોતાની સારી ચાલતી કાર બદલીને નવી કિંમતી કાર લીધી. વધેલા EMI  સંભાળવા માટે તેણે પોતાના નિયમિત રોકાણ પણ થોડા સમય માટે અટકાવી દીધા.


બહારથી જોનારને લાગતું હતું કે રિતેશની જીવનશૈલી હવે વધુ સમૃદ્ધ બની ગઈ છે, પણ અંદરથી ચિત્ર અલગ હતું. તે હવે પોતાની જરૂરિયાતો અનુસાર નહીં, પણ બીજાના જીવન સાથે તાલ મિલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.


થોડા સમય પછી, એક સામાન્ય વાતચીત દરમિયાન રિતેશને ખબર પડી કે કુણાલની નાણાકીય સ્થિતિ જેટલી મજબૂત દેખાતી હતી એટલી હકીકતમાં નહોતી.

* નવા ઘરના EMIને કારણે તેના માસિક બજેટ પર ઘણું દબાણ હતું.

* SUV કાર પણ મોટા ભાગે લોન પર જ ખરીદાઈ હતી.

* કેટલાક વિદેશ પ્રવાસ માટે તેણે ક્રેડિટ કાર્ડનો સહારો લીધો હતો.

રિતેશ જેની સાથે પોતાની સરખામણી કરી રહ્યો હતો, તે તો આખી કહાનીનો માત્ર એક બહારથી દેખાતો ગ્લોસી ભાગ હતો.


તો ભૂલ ક્યાં હતી?

ભૂલ બીજાની આવક જોઈને પ્રેરણા લેવામાં નહોતી. ભૂલ એ હતી કે તેણે માત્ર બહારથી દેખાતી જીવનશૈલી સાથે પોતાની સરખામણી કરી તેની પાછળની નાણાકીય હકીકત અને દેવાના બોજને જાણ્યા વગર.


આવું કેમ થાય છે?

બીજાઓ સાથે પોતાની સ્થિતિની સરખામણી કરવી એ માનવ સ્વભાવ છે. સામાન્ય રીતે આપણે પોતાના કરતાં ઓછું ધરાવતા લોકો સાથે નહીં, પરંતુ પોતાના કરતાં વધુ સુખ-સગવડ ધરાવતા લોકો સાથે સરખામણી કરીએ છીએ.
 
આજના સોશ્યલ મીડિયાના યુગમાં આ વૃત્તિ વધુ વધી ગઈ છે. ત્યાં આપણને નવા ઘર, નવી કાર, વિદેશ પ્રવાસ, મોંઘા ગેજેટ્સ અને સફળતાની ઉજવણી તો દેખાય છે, પરંતુ તેની પાછળની લોન, આર્થિક જવાબદારીઓ, તણાવ કે સમાધાન ક્યારેય દેખાતાં નથી.

પરિણામે, આપણે પોતાની નાણાકીય પ્રગતિનું મૂલ્યાંકન પોતાનાં લક્ષ્યોના આધારે નહીં, પરંતુ બીજાના જીવનને આધારે કરવા લાગીએ છીએ.


છૂપી કિંમત...

નાણાકીય સરખામણીની સૌથી મોટી કિંમત માત્ર માનસિક અસંતોષ નથી, પણ તેનાથી થતા અવિચારી નાણાકીય નિર્ણયો છે.

બીજાની જેમ જીવવાની ઈચ્છા આપણને આપણી ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરવા, બિનજરૂરી લોન લેવા, રોકાણમાં સમાધાન કરવા અથવા પોતાના લાંબા ગાળાનાં લક્ષ્યોને પાછળ ઠેલવા તરફ દોરી જાય છે.

વિડંબના એ છે કે નાણાકીય રીતે સફળ દેખાવાની દોડમાં આપણે આપણી સાચી નાણાકીય મજબૂતીને જ નબળી બનાવી બેસીએ છીએ.


મુખ્ય શીખ: તમારી પોતાની સફર પર ધ્યાન આપો

દરેક વ્યક્તિની આવક, જવાબદારીઓ, પારિવારિક પરિસ્થિતિ અને જીવનલક્ષ્યો અલગ હોય છે. એક વ્યક્તિ માટે યોગ્ય લાગતો નિર્ણય બીજી વ્યક્તિ માટે યોગ્ય જ હોય એવું જરૂરી નથી.

તેથી, બીજાઓ શું ખરીદી રહ્યા છે તે જોવાને બદલે, નવી ખરીદી કરતી વખતે પોતાને એક જ પ્રશ્ન પૂછો:

શું આ નિર્ણય મને મારા પોતાના નાણાકીય લક્ષ્યોની વધુ નજીક લઈ જશે?

ઘણી વખત માત્ર આ એક પ્રશ્ન તમને અનેક મોંઘી ભૂલોથી બચાવી શકે છે.


નિષ્કર્ષ

સાચી નાણાકીય સફળતા તમારા ઘરના કદ, તમારી કારની બ્રાન્ડ કે લોકો જોઈ શકે એવી જીવનશૈલીથી નક્કી થતી નથી. તે તમારી માનસિક શાંતિ, નાણાકીય સુરક્ષા અને બિનજરૂરી આર્થિક દબાણ વિના નિર્ણયો લેવાની સ્વતંત્રતા પરથી નક્કી થાય છે.

યાદ રાખો, જીવનમાં સૌથી મહત્ત્વની નાણાકીય સફર બીજાની નહીં, તમારી પોતાની છે.