Fri Apr 17 2026

Logo

જમીન વિવાદમાં ફસાયા સોનાલી બેન્દ્રેના પતિ ગોલ્ડી બહલ: છેતરપિંડીના આરોપ સાથે પુણેની કોર્ટમાં કેસ દાખલ

2026-04-02 14:38:11
Article Image

મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી સોનાલી બેન્દ્રેના પતિ અને જાણીતા ફિલ્મમેકર ગોલ્ડી બહલ કાનૂની વિવાદમાં ફસાયા છે. પુણેના માવલ સ્થિત વડગાંવ સિવિલ કોર્ટમાં ગોલ્ડી બહલ વિરુદ્ધ જમીનના માલિકી હક્કને લઈને દાવો દાખલ કરવામાં આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસને કારણે સ્થાનિક રાજકારણ અને ગ્લેમર જગતમાં ભારે ચર્ચાઓ જાગી છે, કારણ કે આ વિવાદ માત્ર કાગળ પરની જમીનનો નથી પણ વર્ષો જૂના હક્કો સાથે જોડાયેલો છે.

શું છે સમગ્ર જમીન વિવાદ?
આ વિવાદ અંદાજે 1 એકર જમીનના માલિકી હક્ક અને અધિકારો સાથે સંકાળાયેલો છે. સ્થાનિક નિવાસી ચંદ્રકાંત બાલુ શિંદેએ ગોલ્ડી બહલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. શિંદેનો દાવો છે કે, આ જમીન પર વર્ષ 1957થી તેમના દાદા કેસુ શિંદેનું નામ ગણોતિયા તરીકે નોંધાયેલું હતું અને તેમના પરિવારનો આ જમીન પર પેઢીઓથી અધિકાર છે. આક્ષેપ મુજબ, મૂળ જમીન માલિકે કાયદાકીય હકીકતો છુપાવીને છેતરપિંડીથી આ સોદો ગોલ્ડી બહલના નામે કરી દીધો છે. 

ચંદ્રકાંત શિંદેએ માત્ર જમીન હડપવાનો જ નહીં, પરંતુ વ્યક્તિગત ગેરવર્તણૂકનો પણ આક્ષેપ કર્યો છે. ફરિયાદ મુજબ, ડિસેમ્બર 2025માં જ્યારે સોનાલી બેન્દ્રે અને ગોલ્ડી બહલ આ જમીન પર આવ્યા હતા, ત્યારે ત્યાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. શિંદેનો આરોપ છે કે ગોલ્ડી બહલ અને તેમના માણસોએ તેમની તેમજ તેમની વૃદ્ધ માતા સાથે ધક્કા-મુક્કી કરી હતી. આ ઘટના બાદ શિંદે પરિવારે અન્યાય સામે અવાજ ઉઠાવતા પુણેની અદાલતના દ્વાર ખખડાવ્યા છે અને ન્યાયની માંગ કરી છે.

બીજી તરફ, ગોલ્ડી બહલના વકીલે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને તેને 'બ્લેકમેલિંગ'નો એક ભાગ ગણાવ્યો છે. બચાવ પક્ષનું કહેવું છે કે 1965માં જ માવલના તહેસીલદારે આદેશ આપ્યો હતો કે ફરિયાદકર્તાના દાદા આ જમીનના માલિક નથી અને તે આદેશ પર શિંદેના દાદાની સહી પણ છે. ગોલ્ડી બહલના પક્ષ મુજબ, શિંદે પરિવાર અગાઉ પણ તહેસીલદાર અને એસડીઓ પાસે કેસ હારી ચૂક્યા છે અને હવે માત્ર પૈસા પડાવવા માટે સેલિબ્રિટીનું નામ સંડોવી રહ્યા છે.

હાલમાં આ મામલો વડગાંવ માવલ કોર્ટમાં વિચારાધીન છે. શિંદે પરિવાર પોતાના પુસ્તૈની હક્ક માટે લડી રહ્યો છે, જ્યારે ગોલ્ડી બહલ આ સોદાને કાયદેસર રીતે માન્ય ગણાવી રહ્યા છે. આ કેસમાં 7/12ના ઉતારા અને વર્ષો જૂના સરકારી દસ્તાવેજોની ચકાસણી મહત્વની સાબિત થશે. એક જાણીતી ફિલ્મી હસ્તીનું નામ જોડાયેલું હોવાથી આસપાસના પંથકમાં આ કેસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને હવે કોર્ટ શું ચુકાદો આપે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.