સ્થાનિકમાં ચાંદી રૂ. 8906 ઊછળી અને સોનું રૂ. 2846 ઝળક્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારને અંતિમ ઓપ આપવામાં આવ્યો હોવાની સાથે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખોલવાની જાહેરાત સાથે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ત્રણ મહિનાના તળિયે અને સોનાના ભાવ એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ ચાર ટકા જેટલા ઉછળી આવ્યા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 8906નો ઉછાળો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2835થી 2846 વધી આવ્યા હતા. જોકે, આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 48 પૈસા વધી આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે હાજરમાં ચાંદીના વેરારહિત ધોરણે કિલોદીઠ ભાવ રૂ. 8906ની તેજી સાથે રૂ. 2,51,488ના મથાળે રહ્યા હતા. જોકે, વધ્યા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહી હતી. તે જ પ્રમાણે વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2835 વધીને રૂ. 1,50,043ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2846 વધીને રૂ. 1,50,646ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં પણ છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ 2.8 ટકાના સુધારા સાથે ગત નવમી જૂન પછીની ઊંચી આૈંસદીઠ 4336.49 ડૉલર આસપાસની સપાટીએ અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ આગલા બંધ સામે 2.8 ટકા વધીને 4358 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 4.1 ટકાની તેજી સાથે આૈંસદીઠ 70.76 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકા અને ઈરાનના અધિકારીઓએ સંયુક્તપણે શાંતિકરાર અંગે સહમતીની અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માર્ગ ખોલવાની જાહેરાત કરી હતી. જોકે, ઈરાનના અણું કાર્યક્રમ અંગે પાછળથી વાટાઘાટો કરવામાં આવશે એમ જણાવતા આજે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે શાંતિકરાર પર સહીસિક્કા આગામી શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડ ખાતે કરવામાં આવશે, એવું એક્સ પ્લેટફોર્મ પર જણાવ્યું હતું.
એકંદરે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો થતાં ફુગાવો દબાણ હેઠળ આવતા અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ સપાટી પર આવતા આજે સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું યુબીએસના વિશ્લેષક જિઓવન્ની સ્ટુનોવોએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળામાં સોનાના ભાવ કોન્સોલિડેટ થાય તેવી શક્યતા નકારી ન શકાય. જોકે, આજે અમેરિકી ડૉલર અને અમેરિકાની 10 વર્ષીય ટ્રેઝરીની યિલ્ડમાં આવેલા ઘટાડાનો પણ સોનાની તેજીને ટેકો મળ્યો હતો.
અત્રે નોંધનીય બાબત એ છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બરના અંતમાં વ્યાજદરમાં વધારો કરે તેવી 69 ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો મૂકી રહ્યા હતા, જ્યારે આજે આ શક્યતા ઘટીને 53 ટકા આસપાસની સપાટીએ હતી. જોકે, હવે રોકાણકારોની નજર આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ હતી.
Gemini Generated Image