(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગત સપ્તાહે સોનાના વૈશ્વિક ભાવમાં બે ટકા જેટલો ઉછાળો નોંધાયા બાદ આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ બે સપ્તાહની ઊંચી સપાટીએથી પાછા ફર્યા હતા અને ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી નરમાઈ જોવા મળી હતી. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહના આરંભે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 758થી 761નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 700નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્વ બજારનાં નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને ઔદ્યોગિક વપરાશકારોની માગને જળવાઈ રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 700ના ઘટાડા સાથે રૂ. 2,33,158ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ નરમાઈનું વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 758 ઘટીને રૂ. 1,45,000 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 761 ઘટીને રૂ. 1,45,583ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 23 પૈસા જેટલો ઘટાડો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે વધુ ભાવઘટાડાના આશાવાદે સાર્વત્રિક સ્તરેથી સોનામાં માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગત શુક્રવારે હાજરમાં સોનાના ભાવ ગત બાવીસમી જૂન પછીની ઊંચી આૈંસદીઠ 4202.13 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ આજે ડૉલર ઈન્ડેક્સ 0.2 ટકા મજબૂત થતાં નરમાઈનું વલણ રહેતાં હાજરમાં ભાવ આગલા બંધ સામે 0.46 ટકા ઘટીને આૈંસદીઠ 4156.36 ડૉલર આસપાસ અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 1.1 ટકા વધીને 4168.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 62.12 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, ગત શુક્રવારે ભાવ વધીને 23મી જૂન પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
વર્તમાન કેલેન્ડર વર્ષ 2026માં અમેરિકી ફેડરલ રિઝર્વ ઓછી વખત વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ થતાં ગત સપ્તાહે સોનાના વૈશ્વિક ભાવમાં સુધારો આવ્યા બાદ હવે ભાવ કોન્સોલિડેશનના તબક્કામાં હોવાનું સાક્સો બૅન્કના વિશ્લેષક ઓલે હાસને જણાવતાં ઉમેર્યું હતું હાલમાં સોનું આૈંસદીઠ 3900થી 4000 ડૉલર આસપાસ ટેકાની સપાટી બનાવવા મથી રહ્યું છે અને ઘણી પ્રતિકારક સપાટી વટાવવાની બાકી છે. અમારા મતે 200 દિવસની દૈનિક સરેરાશ 4485 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થશે.
દરમિયાન આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી 50 ટકા શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, હવે ટ્રેડરો અને રોકાણકારોની નજર આગામી બુધવારે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેર થનારી મિનિટ્સ પર સ્થિર થઈ છે.
વધુમાં આજે જેપી મોર્ગને એક નોટ્સમાં જણાવ્યું હતું કે સોનામાં અમુક મુખ્ય ક્ષેત્રની માગ અપેક્ષા જેટલી મજબૂત ન હોવાથી અમારા મતે વર્ષ 2026ના ત્રીજા ત્રિમાસિકગાળામાં સોનાના ભાવ આૈંસદીઠ 4300 ડૉલર સુધી સીમિત રહેશે, જ્યારે ચોથા ત્રિમાસિકગાળામાં ભાવ 4500 ડૉલરની રેન્જમાં રહે તેવી શક્યતા છે.