(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવજાત દીકરાને મળવા ન દેતી સાસુની હત્યા કરી ફરાર થઈ ગયેલા જમાઈને વસઈ ક્રાઈમ બ્રાન્ચે ચેન્નઈથી પકડી પાડ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2ના અધિકારીઓએ બુધવારે પકડી પાડેલા આરોપીની ઓળખ મોહમ્મદ અજમલ મોહમ્મદ મન્સૂરી અન્સારી ઉર્ફે પોફલ (44) તરીકે થઈ હતી. વધુ કાર્યવાહી માટે આરોપીને વાલિવ પોલીસના તાબામાં સોંપાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી પોફલેએ વસઈના ગોખીવરે સ્થિત દેવીપાડામાં રહેતી સાસુ સંજીદા મોહમ્મદ કયુમની 14 સપ્ટેમ્બર, 2013ના રોજ હત્યા કરી હતી. આ પ્રકરણે પોફલની પત્નીએ નોંધાવેલી ફરિયાદને આધારે વાલિવ પોલીસે હત્યાનો ગુનો નોંધી પોફલની તપાસ શરૂ કરી હતી, પરંતુ તે પોલીસને હાથ લાગ્યો નહોતો.
જૂના વણઉકેલાયા કેસની વિગતો પર નજર ફેરવી યુનિટ-2ના ઇન્ચાર્જ અવિરાજ કુરાડેએ નવેસરથી તપાસ શરૂ કરી હતી. આરોપી બિહારના ગ્રામ પરહસનો વતની હતો. પોલીસે તપાસ કરતાં આરોપી તેના વતનમાં ન હોવાનું જાણવા મળ્યું હતું. આખરે સગાંસંબંધીની પૂછપરછ અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં આરોપી ચેન્નઈમાં હોવાનું જાણવા મળ્યું હતું. ચેન્નઈ પહોંચેલી પોલીસની ટીમે પોફલને તાબામાં લીધો હતો.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે પત્ની અને સાસુ તેના નવજાત દીકરાને મળવા દેતી નહોતી. આ વાતે રોષમાં આવી તેણે સાસુની હત્યા કરી હતી. હત્યા પછી ચારથી પાંચ દિવસ તે કોલકતામાં બહેનના ઘરે રહ્યો હતો. પછી તમિળનાડુમાં પાંચેક વર્ષ કડિયાકામ કર્યું. ત્યાંથી એક વર્ષ પંજાબમાં કામ માટે ગયો હતો. છેલ્લાં પાંચ વર્ષથી તે ચેન્નઈમાં રહેતો હતો.