Wed Jun 10 2026

Logo

ગોરેગામ-મુલુંડ લિંક રોડ માટે ટ્વિન ટનલનું ખોદકામ ૧૦ માર્ચથી શરૂ થશે

2026-03-07 09:13:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર)નો એક ભાગ ગણાતા ગોરેગામના દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી (ફિલ્મસીટી) ખાતે ટ્વિન ટનલના બાંધકામ માટે ‘લૉન્ચિંગ શાફ્ટ’નું કામ પૂર્ણ થયું છે. આગામી  ત્રણ દિવસમાં કૉંક્રિટિંગનું કામ  પૂરું થવાની અપેક્ષા છે. ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ને ૧૦ માર્ચ, ૨૦૨૬ના શાફ્ટમાં નીચે ઉતારવામાં આવશે, જે મુંબઈના મહત્ત્વપૂર્ણ માળખાગત વિકાસમાં એક સીમાચિહ્નરૂપ બની રહેશે.

આ પ્રોજેક્ટમાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (નેશનલ પાર્ક)ની નીચે ૪.૭ કિલોમીટરની ટ્વિન ટનલ અને દાદાસાહેબ ફાળકે ચિત્રનગરીમાં ૧.૬ કિલોમીટરની બોક્સ ટનલનો સમાવેશ થાય છે, જેમાં બાંધકામ માટે બે અત્યાધુનિક ટીબીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવવાનો છે.  પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ટીબીએમના લિફ્ટિંગ માટે ૩૫૦ અને ૮૦૦ મેટ્રિક ટનની ક્ષમતાની બે ક્રેનની જરૂર પડશે, જેમાં ૩૫૦ ટનની ક્રેન પહેલાથી જ સાઈટ પર લઈ જવામાં આવી છે. જયારે ૮૦૦ મેટ્રિક ટનની સાઈટ સાત માર્ચના સાઈટ પર આવી જશે, ત્યારબાદ આઠ માર્ચના લોડ ટેસ્ટ કરવામાં આવશે. એ બાદ ૮૦૦ ટનની ક્રેન પછી  ટીબીએમને શાફ્ટમાં નીચે ઉતારવામાં આવશે. લોડ ટેસ્ટ પછી ટીબીએમના જુદા જુદા હિસ્સાને જોડવામાં આવશે.

એડિશનલ કમિશનર(પ્રોજેક્ટ) અભિજિત બાંગરે ગુરુવારે સાઈટ પર ઈન્સ્પેકશન કર્યું હતું એ દરમ્યાન તેમણે અધિકારીને ટનલનું ખોદકામ જૂન સુધીમાં શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ દરમ્યાન તેમણે ગોરેગામમાં રત્નાગિરી જંકશન ખાતે ચાલી રહેલા ફ્લાયઓવરના કામનું પણ ઈન્સ્પેકશન કર્યું હતું, જયાં હાલ પિયર કેપનું બાંધકામ ચાલી રહ્યું છે. 
બાંગરે ૩૧ મે, ૨૦૨૬ સુધીમાં ચોમાસા પહેલા ફ્લાયઓવરને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવા માટે વધારાના માનવબળની મદદ લેવાનો નિર્દેશ આપ્યો હતો.

૧૨ કિલોમીટરની લંબાઈનો ગોરેગામ-મુલુંડ લિંક રોડ ગોરેગામ ખાતેના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને મુલુંડ ખાતેના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે જોડશે, જેનાથી મુસાફરીનો સમય ૭૫ મિનિટથી ઘટાડીને ૨૫ મિનિટનો કરી નાખશે.

ચાર તબક્કામાં અમલમાં મુકાયેલા આ  પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૧૬,૦૦૦ કરોડ રૂપિયા છે. એક વખત આ પ્રોજેક્ટ પૂરો થશે પછી તે પૂર્વ-પશ્ર્ચિમને ક્નેક્ટિવીટી પૂરી પાડશે.