Wed Jul 29 2026

Logo

ઘોડબંદર રોડ પર પાર્ક બે વાહનમાં આગ

2026-03-04 17:11:00
Author: Yogesh C. Patel
Article Image

થાણે: ઘોડબંદર રોડ પર મેદાનમાં પાર્ક કરાયેલી કાર અચાનક સળગી ઊઠતાં બાજુમાં ઊભેલી સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (એસયુવી)ને પણ આગને કારણે નુકસાન થયું હતું. થાણે ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે ઘટના બુધવારની સવારે 11 વાગ્યાની આસપાસ નેપ્રો ગ્રાઉન્ડ પર બની હતી. આ ઘટનામાં કોઈને ઇજા થઈ નહોતી.

મેદાનમાં પાર્ક બે વાહનમાં અચાનક આગ લાગી હતી. સ્થાનિક રહેવાસીએ ઘટનાની જાણ ક્ધટ્રોલ રૂમને કરી હતી. આગની માહિતી મળતાં જ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના અધિકારી પિકઅપ વેહિકલ સાથે અને ફાયર બ્રિગેડના જવાનો ફાયર એન્જિન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, એમ તડવીએ જણાવ્યું હતું.

આગમાં એક કાર પૂર્ણપણે બળી ગઈ હતી, જ્યારે એસયુવીને આંશિક નુકસાન થયું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. જોકે સખત તાપને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાન ફાયર બ્રિગેડના જવાનોએ ગણતરીના કલાકમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરિસ્થિતિ કાબૂમાં હોઈ કોઈ જખમી ન હોવાનું તડવીએ ઉમેર્યું હતું. (પીટીઆઈ)