થાણે: ઘોડબંદર રોડ પરથી પસાર થતા ટેમ્પોમાં અચાકન આગ લાગતાં વાહનવ્યવહારને અસર થઈ હતી. સમયસૂચકતા વાપરી ટેમ્પો ઊભો રાખી ડ્રાઈવર બહાર નીકળી જતાં જાનહાનિ ટાળી શકાઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના બુધવારની સવારે વાઘબીળ ફ્લાયઓવર પર બની હતી. પિત્તળના નટ્સ અને બૉલ્ટ્સનું નિકાસ માટેનું ક્ધસાઈન્મેન્ટ લઈને ટેમ્પો ઘોડબંદર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ટેમ્પોના એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગતાં ડ્રાઈવરે બ્રિજ પર ટેમ્પો ઊભો રાખી દીધો હતો. ડ્રાઈવર બહાર નીકળી ગયા પછી ટેમ્પો સળગી ઊઠ્યો હતો.
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ટ્રાફિક) પંકજ શિરસાટે જણાવ્યું હતું કે ઘટનાને પગલે વાહનવ્યવહારને અસર થઈ હતી. ફ્લાયઓવર પર ટેમ્પોમાં આગ લાગી હોવાથી વાહનો ફ્લાયઓવર નીચેથી પસાર કરવામાં આવ્યાં હતાં. ટ્રાફિક જૅમની સ્થિતિ ટાળવા ટ્રાફિક પોલીસે ખાસ્સી જહેમત ઉઠાવી હતી.
ડીસીપી શિરસાટે ફાયરફાઈટિંગ ટીમનો આભાર માન્યો કે તેમણે ઝડપી કામગીરી કરીને હાઈડ્રા મશીનની મદદથી ટેમ્પોને દૂર ખસેડ્યો હતો. ટેમ્પો ખસેડવામાં આવ્યા પછી વાહનવ્યવહાર પૂર્વવત્ થઈ શક્યો હતો. આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ પોલીસ કરી રહી છે. (પીટીઆઈ)