આઈસીયુમાં દાખલ પ્રિયદર્શી વિજયજી મ.સા.ની બ્રેન સર્જરી કરવી પડી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર પશ્ર્ચિમમાં આવેલા પાર્શ્ર્વનાથ મૂર્તિપૂજક જૈન સંઘ (સાંઘાણી એસ્ટેટ) નજીક બેસ્ટના ડ્રાઈવરે બેદરકારીથી બસ ચલાવી જૈન મુનિ પ્રિયદર્શી વિજયજી મ.સા.ને અડફેટે લેતાં જૈન સમાજમાં દુ:ખની લાગણી ફેલાઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મુનિની બ્રેન સર્જરી કરવી પડી હતી તો પોલીસે બસના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પાર્કસાઈટ પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની વહેલી સવારે 5.20 વાગ્યાની આસપાસ એલબીએસ માર્ગ પર ઉડીપી હોટેલ પાસે બની હતી. આ પ્રકરણે બાવન વર્ષના મુનિના અંધેરીમાં રહેતા મામાએ નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો.
શ્રીમદ્ જયસુંદરજી સૂરિશ્ર્વરજી મ.સા.ના શિષ્ય પ્રિયદર્શી મ.સા. પગપાળા દેરાસર જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ઘાટકોપર ડેપોથી ગોરેગામ ડેપો જઈ રહેલી બેસ્ટની એમએચ-01-ઈડબ્લ્યુ-4432 બસના ડ્રાઈવરે તેજગતિથી અને બેદરકારીથી બસ ચલાવી મુનિને અડફેટે લીધા હતા. અકસ્માતમાં મુનિને માથાના પાછળના ભાગમાં અને હાથ-પગમાં ગંભીર ઇજા થઈ હતી.
અકસ્માત થતાં જ જૈનો અને સ્થાનિક રહેવાસીઓ દોડી આવ્યા હતા. બેભાન અવસ્થામાં મુનિને સારવાર માટે પવઈની હિરાનંદાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બપોરે ત્રણ વાગ્યે તેમની જટિલ બ્રેન સર્જરી કરવામાં આવી હતી. શસ્ત્રક્રિયા પછી તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.
દરમિયાન અકસ્માતની જાણ પ્રિયદર્શી મ.સા.ના મામાને સમાજની એક વ્યક્તિ દ્વારા સવારે આઠ વાગ્યાની આસપાસ થઈ હતી. મામા હૉસ્પિટલે પહોંચ્યા ત્યારે બેસ્ટની બસે ટક્કર મારી હોવાનું તેમને જાણવા મળ્યું હતું. પ્રિયદર્શી મ.સા. છત્તીસગઢના રાયપુરના વતની હોવાનું સમાજના એક અગ્રણીએ જણાવ્યું હતું.
બનાવની જાણ થતાં પાર્કસાઈટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બેસ્ટના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.