Wed Aug 19 2026

Logo

બિહારના ગયામાં કૂવામાં ઝેરી ગેસ ગળતરથી પિતા-પુત્ર સહિત ચારનાં મૃત્યુ

2026-08-14 20:10:55
Author: Mumbai Samachar Team
Article Image

પટનાઃ બિહારના ગયા જિલ્લામાં આજે એક કૂવાની અંદર ખેતી કામમાં ઉપયોગમાં લેવાતી મોટરનું સમારકામ કરતી વખતે ઝેરી ગેસ શ્વાસમાં લેવાથી પિતા-પુત્ર સહિત ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ જાણકારી અધિકારીઓએ આપી હતી.

આ ઘટના ગયા જિલ્લાના ડોભી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગઢ કરમૌની ગામમાં બની હતી. આ ઘટનાના હતભાગીઓની ઓળખ ચમારી માંઝી અને તેના પુત્ર દિલચંદ માંઝી, વિકાસ ચૌધરી અને વિજય ચૌધરી તરીકે થઇ છે.

અહેવાલ અનુસાર એસએસપી સુશીલ કુમારે જણાવ્યું કે કૂવાની અંદર ઝેરી ગેસના સંપર્કમાં આવવાથી ચાર લોકોના મોત નીપજ્યા હતા. રાજ્યના મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમજ અધિકારીઓને મૃતકોના પરિજનોને તાત્કાલિક ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો આદેશ આપ્યો હતો.

મુખ્ય પ્રધાને એમ પણ કહ્યું કે મૃતકોના આશ્રિતોને તાત્કાલિક ચાર લાખ રૂપિયાની સહાય આપવા અને અસરગ્રસ્ત પરિવારોને તમામ શક્ય મદદ પૂરી પાડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.