એકસ્ટ્રા અફેરઃભરત ભારદ્વાજ
દેશની રાજધાની દિલ્હીમાં ‘ભારત મંડપમ’માં ચાલી રહેલા ‘ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026’માં ગ્રેટર નોઈડાની ગલગોટિયા યુનિવર્સિટીએ દેશની ઈજ્જતનો ફાલુદો કરી નાખ્યો. ગલગોટિયા યુનિવર્સિટીએ ચાઈનીઝ રૉબૉ ડોગને પોતે બનાવેલો ગણાવીને આખી દુનિયાને મૂરખ બનાવવાની કોશિશ કરી પણ તેની પોલ ખૂલી જતાં સોશિયલ મીડિયા પર આપણી ભારે મજાક ઊડી રહી છે.
રૉબૉ ડોગ જેવી બીજાંએ બનાવેલી સાવ સામાન્ય પ્રોડક્ટને પોતાના નામે ચડાવીને ટેક્નોલોજી માં ખાં થઈ ગયા હોવાનાં બણગાં ફૂંકનારનો ભાંડો ફૂટે પછી મજાક ઊડવી સ્વાભાવિક જ છે. ગલગોટિયા યુનિવર્સિટીના સ્ટોલ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)થી સંચાલિત ‘ઓરિયન’ (એઆરઆઇઓએન) નામનો રૉબૉ ડોગ રજૂ કરીને દાવો કરાયેલો કે, આ રૉબૉ ડોગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બનાવ્યો છે.
આ ભવાડા પછી ગલગોટિયા યુનિવર્સિટીને ‘ઇન્ડિયા આઈ ઇમ્પેક્ટ સમિટ 2026’માંથી લાત મારીને તગેડી મૂકાઈ છે. યુનિવર્સિટીએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે પણ પોતે કશું ખોટું કર્યું હોવાનું કે આખી દુનિયાને બેવકૂફ બનાવવા નિકળેલાં એવું સ્વીકાર્યું નથી. બલકે સ્ટોલ પર ઊભી રહેલી નેહા સિંહ નામની અધ્યાપિકાને બલિનો બકરો બનાવીને તેના માથો દોષનો ટોપલો ઢોળી દેવાયો છે.
યુનિવર્સિટીના કહેવા પ્રમાણે, નેહા સિંહે ખોટી માહિતી આપી તેના કારણે લોકોમાં ભ્રમ ઊભો થયો. નેહા સિંહને પ્રોડક્ટ અંગે કોઈ ચોક્કસ માહિતી નહોતી અને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી પણ ન હતી. યુનિવર્સિટીએ એવો બચાવ પણ કર્યો છે કે, નેહા સિંહનો ઈરાદો ખોટી માહિતી ફેલાવવાનો ન હતો પણ છતાં અતિ ઉત્સાહમાં આવીને પ્રોડક્ટના ટેકનિકલ સ્રોત અંગે ખોટી માહિતી આપી દીધી હતી.
યુનિવર્સિટી આ બચાવ કરીને લોકોને ફરી મૂરખ બનાવી રહી છે એ કહેવાની જરૂર નથી કેમ કે યુનિવર્સિટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ રોબોટ ‘ઓરિયન’ (એઆરઆઈઓએન) ‘ગલગોટિયાસના સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા વિકસિત’ કરાયો હોવાનું જૂઠાણું ચલાવીને તેને ભારતીય એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો’ ગણાવવામાં આવ્યો હતો.
નેહા સિંહે મીડિયાને ઈન્ટરવ્યૂ આપ્યો અને સરકારી ટીવી ચેનલ ડીડી ન્યૂઝ પર આ ઈન્ટરવ્યુ બ્રોડકાસ્ટ થયો તેમાં પોલ ખૂલી, બાકી યુનિવર્સિટીનો ઈરાદો તો ચાઈનીઝ રોબોટને પોતાના નામે ચડાવીને વાહવાહી અને સરકારી સહાય મેળવવા જ માગતા હતા. ડીડી ન્યૂઝના સમાચાર જોયા પછી સોશિયલ મીડિયા પર ટેક્નોલોજીના નિષ્ણાતોએ કોમેન્ટ કરી કે, આ રોબોટ ગલગોટિયાના ગોટિયાઓએ નહીં પણ ચીની કંપની યુનિટ્રી રોબોટિક્સ (યુએનઆટીઆરઈઈઆરઓબીસોટીઆઈ- સીએસ)એ બનાવ્યો છે. જીઓટુ (Go2) નામનો આ રોબોટ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર 3,000 ડોલર એટલે કે લગભગ 3 લાખ રૂપિયામાં સરળતાથી મળે છે.
આ કોમેન્ટ્સ પછી સોશિયલ મીડિયા પર થયેલા ‘ફેક્ટ-ચેક’માં આ વાત સાચી સાબિત થઈ એ પછી પણ યુનિવર્સિટી તો ભૂલ સ્વીકારવા તૈયાર નહોતી પણ વિદેશથી પણ પસ્તાળ પડવાની શરૂ થઈ એટલે સરકાર સફાળી જાગી અને ગલગોટિયાઓના ગોટા વેરાઈ ગયા. વિદેશી પ્રોડક્ટ પર પોતાનું લેબલ ચિપકાવીને તેને સ્વદેશી ઇનોવેશન તરીકે રજૂ કરનારી યુનિવર્સિટીને તાત્કાલિક સ્ટોલ ખાલી કરવા ફરમાન કરાયું પણ બીજાં કોઈ પગલાં લેવાયાં નથી તેના પરથી સ્પષ્ટ છે કે, સરકાર ભીનું સંકેલવા મથી રહી છે.
યુનિવર્સિટીએ નેહા સિંહ પર દોષનો ટોપલો ઢોળીને હાથ ખંખેરી નાખ્યા એ રીતે કેન્દ્ર સરકાર પણ યુનિવર્સિટી પર દોષારોપણ કરીને હાથ ખંખેરી રહી છે પણ આ ભવાડાની સીધી જવાબદારી કેન્દ્ર સરકારની છે. ‘ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026’નું આયોજન ભારત સરકારના ઈન્ડિયન એઆઈ મિશને કર્યું છે અને કેપીએમજી તેમાં નોલેજ પાર્ટનર છે. ભારત સરકારની બીજી એજન્સીઓ પણ તેમાં સહ આયોજક છે. ટૂંકમાં આ આખો કાર્યક્રમ ભારત સરકારે જ કર્યો છે.
આ કાર્યક્રમ વૈશ્વિક કક્ષાનો છે ને દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સેક્ટરના ખાનખાનાઓ પધાર્યા છે. ભારતમાં અઈં ક્ષેત્રે થઈ રહેલી કામગીરી બતાવીને ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)માં સુપર પાવર બની રહ્યું છે એ આ ખાનખાનાઓને બતાવીને દેશની તાકાત બતાવવાનો આ સમિટનો ઉદ્દેશ છે તેથી ભારતની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.
આ સંજોગોમાં સમિટમાં રજૂ થનારી દરેક પ્રોડક્ટ ખરેખર ભારતીય જ છે એ ચકાસ્યા પછી જ તેમને સ્ટોલ પર મૂકવાની મંજૂરી અપાવી જોઈતી હતી. એવી કોઈ ચકાસણી ના કરાઈ ને ચાઈનીઝ પ્રોડક્ટને ભારતની પ્રોડક્ટમાં ખપાવી દેવાઈ તો તેના માટે સરકારી અધિકારીઓ જવાબદાર કહેવાય કે નહીં ? બિલકુલ કહેવાય એ જોતાં સરકારની જ જવાબદારી ગણાય.
સરકારે આખું આયોજન ટેકનિકલ ક્ષેત્રના નિષ્ણાતોને સોંપ્યું હોત તો પણ આ ભવાડો ના થયો હોત પણ સરકાર અધિકારીઓના ભરોસે ચાલે છે તેમાં પણ આબરૂનો ધજાગરો થઈ ગયો. મંત્રીઓને સાયન્સ ને ટેકનોલોજીમાં કોઈ ગતાગમ પડતી નથી ને તેમને તેમાં રસ પણ નથી. સમિટ આખું ઈનોવેશન વિશે છે પણ તેના પર વધારે ધ્યાન આપવાના બદલે ગિનેસ બુક ઓફ વર્લ્ડમાં ફલાણા માટે સ્થાન મળ્યું એવા તાયફા કરાય તેના પરથી જ મંત્રીઓનું બૌધ્ધિક સ્તર શું છે એ ખબર પડી જાય.
આઘાતજનક વાત એ છે કે, ગલગોટિયાઓના કારણે સમિટ હાંસીને પાત્ર બની ગયું છતાં ગલગોટિયા યુનિવર્સિટી સામે કોઈ પગલાં જ નથી લેવાયાં. દેશની ઈજ્જતનો કચરો કરનારને માત્ર સ્ટોલ ખાલી કરીને જવા દેવાય એ કેવું? આખી દુનિયા સામે દેશની ઈજ્જતનો ફાલુદો કરી નાંખનારી ગલગોટિયા યુનિવર્સિટીની માન્યતા રદ કરી દેવી જોઈએ અને તેના કારભારીઓને જેલમાં નાખી દેવા જોઈએ કે જેથી ભવિષ્યમાં બીજું કોઈ આવું અપકૃત્ય કરતાં પહેલાં સો વાર વિચાર કરે. એવાં કશાં પગલાં ભરવાના બદલે સરકાર સાવ ચૂપ છે.
ગલગોટિયાઓના કારણે મોટા ઉપાડે યોજાયેલું આ સમિટ શંકાના દાયરામાં આવી ગયું છે. ગલગોટિયા તો છીંડે ચડેલા ચોર છે પણ બીજાંએ પણ આ ધંધો નહીં કર્યો હોય તેની શું ગેરંટી? ગલગોટિયા સાવ સસ્તી પ્રોડક્ટ ખરીદીને પોતાની ગણાવવા ગયા તેમાં ભરાઈ પડ્યા પણ બીજા સ્માર્ટનેસ બતાવીને કોઈને ખબર ના પડે એ રીતે વિદેશમાં બનેલી પ્રોડક્ટ્સને ખરીદીને મેઈક ઈન ઈન્ડિયાનું લેબલ ચિપકાવીને બેસી નહીં ગયા હોય તેની ખાતરી નથી એ જોતાં સમિટમાં કેટલું સાચા અર્થમાં સ્વદેશી એ સવાલ છે.
આ તાયફાએ ભારતમાં શિક્ષણ અને એઆઈ સેક્ટરની દયનિય હાલત પણ છતી કરી દીધી છે. ગલગોટિયા યુનિવર્સિટીએ બીજું કંઈ ના કર્યું હોત ને 3 લાખમાં ખરીદેલા રોબો ડોગની નકલ કરીને નવો રોબો ડોગ બનાવી દીધો હોત તો પણ ચાલત પણ યુનિવર્સિટીએ ના કરી શકી કેમ કે તેની પાસે એવી તાકાત જ નથી. જે યુનિવર્સિટી 350 કરોડ રૂપિયાની એઆઈ ઈસીઓ એસવાયએસટીઈએમ હોવાનો દાવો કરે એ રૉબૉ ડોગની નકલ ના કરી શકે તેનો અર્થ એ થયો કે, યુનિવર્સિટી પાસે ખરેખર કોઈ સિસ્ટમ નથી અને ખોટા દાવા કરીને વિદ્યાર્થીઓને ઉલ્લુ બનાવાય છે. આવા લોકોના ભરોસે આપણે એઆઈમાં સુપર પાવર બનવા નિકળ્યા છીએ!