Wed Jun 17 2026

Logo

ડાયરેક્ટર અનિલ શર્માનો મોટો ખુલાસો, 'તારા સિંહ' માટે સની દેઓલ નહીં, આ સુપરસ્ટાર હતા પહેલી પસંદ!

2026-06-15 12:39:00
Author: Vimal Prajapati
Article Image

 

મુંબઈઃ ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ (Gadar: Ek Prem Katha) ને રિલીઝ થયે આજે પૂરા 25 વર્ષ થઈ ગયા છે, પરંતુ આ ફિલ્મનો ક્રેઝ આજે પણ દેશવાસીઓમાં ઓછો થયો નથી. આ ઐતિહાસિક અવસર પર ફિલ્મના ડાયરેક્ટર અનિલ શર્માએ હિન્દી સિનેમાની આ સદાબહાર ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક એવી અજાણી યાદો શેર કરી છે, જે અત્યાર સુધી ક્યારેય સામે આવી નહોતી.

મીડિયા સાથેની ખાસ વાતચીતમાં અનિલ શર્માએ જણાવ્યું કે, જ્યારે પહેલીવાર આ ફિલ્મની કહાણી તેમની પાસે આવી ત્યારે કેવો માહોલ હતો અને તારા સિંહના પાત્રને લઈને કયો ચોંકાવનારો નિર્ણય લેવાનો હતો. ‘ગદર’ ફિલ્મનું નામ લેતાની સાથે જ સની દેઓલનો હેન્ડપંપ ઉખાડતો ગુસ્સાવાળો ચહેરો નજર સામે આવી જાય છે. પરંતુ અનિલ શર્માએ ખુલાસો કર્યો છે કે, જ્યારે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ રહી હતી, ત્યારે તેમના મગજમાં સની દેઓલ નહીં પણ કોઈ અન્ય સુપરસ્ટાર હતા.

તારા સિંહના રોલ માટે ધર્મેન્દ્ર હતા પહેલી પસંદ!

અનિલ શર્માએ કહ્યું કે, ‘જ્યારે અમે કહાણી પર કામ કરી રહ્યા હતા, ત્યારે અમારા મગજમાં એક એવું પાત્ર હતું જે થોડું નટખટ હોય, નાચતું-ગાતું હોય અને મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડતું હોય. તે સમયે મારો પહેલો વિચાર એ હતો કે કાશ આ રોલ માટે આપણને યુવાન ધર્મેન્દ્ર મળી જાય! ધરમ જી સ્ક્રીન પર કોમેડી, રોમાન્સ અને મસ્તી ખૂબ સરસ કરતા હતા. પરંતુ, તે સમયે યુવાન ધર્મેન્દ્રને લાવવા શક્ય નહોતું, તેથી અમારું ધ્યાન તરત જ તેમના પુત્ર સની દેઓલ પર ગયું. આજે હું ગર્વથી કહી શકું છું કે સની સિવાય કોઈ તારા સિંહ બની જ ન શકત’.

રામાયણથી પ્રેરિત છે 'ગદર'ની કહાણી

ડાયરેક્ટર અનિલ શર્માના જણાવ્યા અનુસાર, ‘ગદર’ની અસલી તાકાત માત્ર ભારત-પાકિસ્તાનના ભાગલાની પૃષ્ઠભૂમિ નહોતી, પરંતુ તેની પાછળની ભાવના હતી જે આપણા દેશના મહાકાવ્ય 'રામાયણ' થી પ્રેરિત હતી. જ્યારે મેં આ કહાણી પર ઊંડાણપૂર્વક વિચાર કર્યો, ત્યારે મને આખી કહાણી રામાયણ જેવી લાગી. જેવી રીતે ભગવાન શ્રી રામ માતા સીતાને પરત લાવવા માટે લંકા જાય છે, બરાબર તેવી જ રીતે તારા સિંહ પોતાની સકીનાને પાછી લાવવા પાકિસ્તાન જાય છે. લોકો પડદા પર રામાયણ નથી જોઈ રહ્યા, પરંતુ ફિલ્મનો આત્મા અને ભાવના બિલકુલ એ જ હતી’.