નાગપુર: ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ (એફસીઆરએ) બિલ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે જરૂરી છે એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવી આ બિલ ખ્રિસ્તી વિરોધી હે એવા કોંગ્રેસના આરોપને ફગાવી દીધો છે.
નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રસ્તાવિત કાયદો વિદેશી દાન મેળવતા તમામ સંગઠનોને લાગુ પડશે, પછી ભલે તે કોઈ પણ ધર્મ કે સમુદાયનો હોય અને કાયદેસર કાર્ય કરતી સંસ્થાઓને મુશ્કેલીમાં નહીં મૂકે.
આ વર્ષે જૂનમાં સરકારે વિદેશી ભંડોળ મેળવવા માટે સુધારેલા એફસીઆરએ નિયમોને સૂચિત કર્યા, જેમાં બિન-સરકારી સંસ્થાઓને હેતુઓ અને કામગીરીના ક્ષેત્રોની પૂર્વવ્યાખ્યાયિત સૂચિમાંથી પસંદગી કરવાની જરૂર હતી.
ધાર્મિક પ્રવૃત્તિઓ માટે મંજૂરી આપતી વખતે નિયમોમાં ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ) હેઠળ નોંધણી માટે લાયક અનેક શ્રેણીઓમાંથી ધર્માંતરણ બાકાત રાખવામાં આવ્યું હતું.
કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા સહિત અન્ય ખ્રિસ્તી સંગઠનોએ કેન્દ્ર સરકારને પ્રસ્તાવિત કાયદા અને નવા રજૂ કરાયેલા નિયમો પાછા ખેંચવાની અપીલ કરી છે.
ફડણવીસે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે 'કેટલીક સંસ્થાઓ એફસીઆરએનો ઉપયોગ કરી દેશમાં પૈસા લાવી એનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો આ સુધારા લાવવો જરૂરી બન્યો છે, જે લોકો સારું કામ કરે છે તેમના માટે આ બિલ કોઈ અવરોધ કે મુશ્કેલી ઊભી કરશે નહીં. એસીઆરએ જોગવાઈઓ યથાવત રહેશે; જેઓ પોતાનો હિસાબ રાખશે તેમનું લાઇસન્સ પણ ચાલુ રહેશે. બિલ વિશે કંઈ કહેવું હોય તો એ સંસદમાં રજૂઆત કરી શકાશે.
એફસીઆરએ એમેન્ડમેન્ટ બિલ, 2026, આ વર્ષે 25 માર્ચે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને આ અઠવાડિયે સંસદમાં ચર્ચા માટે લેવામાં આવે તેવી શક્યતા છે. (પીટીઆઈ)