ભુજઃ અંજારમાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી નથી રહી તેના માટે સ્થાનિકો દ્વારા સવાલ કરવામાં આવે છે, વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યાં છે. દેશભરમાં સાડી બજાર માટે જાણીતા ઐતિહાસિક અંજાર શહેરની મલા શેરીમાં રસ્તાની અત્યંત ખરાબ હાલતથી ત્રસ્ત વેપારીઓએ ‘રોડ ક્યારે બનશે?’ના પોસ્ટરો દર્શાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, મલા શેરીમાં લાંબા સમયથી માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી ધંધા-રોજગાર પર માઠી અસર પડી રહી છે. ગજરાજાસિંહ રાણાની આગેવાની હેઠળ સ્થાનિક વેપારીઓએ નગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને રોડનું કામ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી હતી.
વેપારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી
આ વિરોધ સાથે સાથે વેપારીઓએ ચીમકી પણ આપી છે કે, જો પાલિકા દ્વારા રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેમ જણાવાયું હતું. હવે જોવાનું એ છે કે, મામલે તંત્ર દ્વારા કામગીરી કરીને આ સમસ્યાનો ઉકેલ આવવામાં આવશે કે કેમ? જો કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી છે.
(ઉત્સવ વૈદ્ય)