અમદાવાદ: ગુજરાતના અનેક ભાગોમાં દીપડાની રંજાડની ફરિયાદો ઉઠતી રહે છે. થોડા દિવસ પહેલા જંગલ વિસ્તાર છોડીને છેક અમદાવાદ શહેરના ઘુમા તેમજ ચાંદખેડા સહિતના વિસ્તારોમાં દીપડો દેખાયા હોવાના અહેવાલો ફરતા થયા હતા. અમદાવાદના વિસ્તારોમાં દીપડાએ દેખા દીધાની ઘટનાને એક મહિના જેટલો સમય વિત્યો છે ત્યારે જિલ્લાના સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હોવાની ફરિયાદો થઈ છે.
મળતી વિગતો અનુસાર, અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોટી દેવતી ગામના સીમ વિસ્તારમાં દીપડો દેખાયો હોવા અંગેની રજૂઆત વન વિભાગને કરવામાં આવી હતી, આ રજૂઆત બાદ વન વિભાગની ટીમ એક્શનમાં આવી હતી. વન વિભાગે આ અંગે તપાસ કરી હતી, તે દરમિયાન જે પગલાંની યપાસ કરવામાં આવી હતી તે દીપડાના જ હોવાની પુષ્ટિ થઈ છે. આથી હવે દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે.
ઉલ્લેખનીય છે કે એકાદ મહિના પહેલા અમદાવાદના પોશ ગણાતા એવા ઘુમામાં દીપડાએ દેખા દીધી હતી. જુલાઇ મહિનાના મધ્યભાગમાં મોડી રાત્રે શરણદીપ સોસાયટીના એક બંગ્લોઝમાં દીપડો ઘૂસ્યો હોવાના સીસીટીવી મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારબાદ સોસાયટીના કૂતરા દીપડાની પાછળ દોડ્યા હતા. શહેરના રહેણાંક વિસ્તારોમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
થોડા દિવસ પહેલા અમદાવાના ઘુમા અને ચાંદખેડા જેવા બે વિસ્તારોમાં દીપડો દેખાયાની ઘટના બાદ સુરતના હજીરામાં પણ દીપડાએ દેખા દીધી હતી. સુરતના હજીરા સ્થિતિ ઓએનજીસી પ્લાન્ટની આસપાસના વિસ્તારમાં ફરી એકવાર દીપડો દેખાયો હોવાના અહેવાલો મળ્યા હતા. અહીંના ઓએનજીસી પ્લાન્ટની આસપાસ સીસીટીવી કેમેરામાં દીપડો દેખાયો હતો. મોડી રાત્રે દીપડાએ એક લટાર આ વિસ્તારમાં મારી હતી. જોકે સુરક્ષાકર્મીઓને સીસીટીવી કેમેરા ચેક કરતા આ વાતની જાણ થઈ હતી. તેમણે વનવિભાગને આ અંગે માહિતગાર કર્યા હતા.