કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને યુપીમાં નોંધાયેલા ગુનાહિત માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. અદાલતે શુક્રવારે આ કેસને રદ કરી દીધો. આ ખાનગી ક્રિમિનલ ફરિયાદમાં કોંગ્રેસ સાંસદ પર વીડી સાવરકરને બદનામ કરી સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવાનો આરોપ લગાવાયો હતો. હકીકતમાં રાહુલ ગાંધીએ ટ્રાયલ કોર્ટના એ આદેશને પડકાર્યો હતો જેમાં તેમને IPCની કલમ 153-A (સમુદાય વચ્ચે દુશ્મની પેદા કરવી) અને 505 હેઠળ અપરાધો માટે ટ્રાયલનો સામનો કરવાનું કહેવામાં આવ્યું હતું
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપી મોટી રાહત
અલાહાબાદ હાઇ કોર્ટ દ્વારા કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કર્યા બાદ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. શુક્રવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ દત્તાએ પૂછયું કે શું રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી આપી છે. આની પર રાજ્ય તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ નટરાજે જવાબ આપ્યો કે કોઇ મંજૂરી નથી આપવામાં આવી.
સમન જારી કરવાનો આદેશ રદ કરવાનું કારણ
હકીકતમાં સીઆરપીસીની કલમ 196 હેઠળ, IPCની કલમ 153A હેઠળ કોઇપણ ગુનાની નોંધ માટે રાજ્ય સરકારની મંજૂરી જરુરી હોય છે. રાહુલ ગાંધીના વકીલે અદાલતને અપીલ કરતા રહ્યું કે જો રાજ્ય સરકારની મંજૂરી નથી તો સમન જારી કરવાનો આદેશ રદ કરવામાં આવે. તેમણે કહ્યું કે મામલાને નવેસરથી વિચાર કરવા માટે ફરી મેજિસ્ટ્રેટ પાસે મોકલવામાં આવે. કેસ ચલાવવાની મંજૂરી નથી તો આ મામલે જરુરી પગલા ભરીશું.
'ફરી આવું વર્તન કર્યું તો અમે જાતે નોંધ લઇશું'
મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે રાહુલ ગાંધીની સાવરકર પર કરવામાં આવેલી ટિપ્પણી પર સખત નારાજગી દર્શાવી હતી. કોર્ટે કહ્યું હતું જો રાહુલ ગાંધી ભવિષ્યમાં આવી ટિપ્પણી ફરીવાર કરશે તો તેમની સામે કોર્ટ જાતે નોંધ લઇ માનહાનિની કાર્યવાહી શરુ કરશે.