Wed Jun 03 2026

Logo

અનાજની ગૂણી પર ક્યુઆર ટેગઃ એફસીઆઈના ખાદ્યાન્ન પર નજર રાખવા અને રિસાયકલિંગ પર અંકુશ રાખવા અગ્રતાક્રમે પગલાં લેશે

2026-06-03 19:32:26
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાની અનાજની ગૂણી પરના ક્યુઆર ટેગનું વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં આંધ્ર પ્રદેશ, તેલંગણા અને ઓરિસ્સામાં વર્તમાન માર્કેટિંગ મોસમમાં આ સિસ્ટમ અમલી બનાવવાની યોજના ધરાવે છે. આ યોજનામાં 20 લાખ ટન ચોખાની હેરફેર મિલિંગ પૉઈન્ટથી વિતરણ કેન્દ્રો સુધી થશે. ગત ડિસેમ્બર 2025થી જાન્યુઆરી 2026 દરમિયાન આંધ્ર પ્રદેશમાં ચોખા માટે અને ગત એપ્રિલ-મે મહિનામાં પંજાબમાં ઘઉં માટે સફળ પાયલોટને અનુસરીને ખાદ્યાન્નની પૉઈન્ટ ટૂ પૉઈન્ટ ધોરણે થતી હેરફેર પર નજર રાખવાની સાથે ગૂણીનાં રિસાયકલિંગ પર અંકૂશ રાખવાનો આ પગલાનો મુખ્ય ઉદ્દેશ છે. ખાદ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે ખરીદી કરવામાં આ હોય તે રાજ્યોમાંથી વિતરણ કરવામાં આવતા રાજ્યોમાં પહોંચાડવામાં આવતી અનાજની ગૂણીઓ પર ક્યુઆર ટેગ લગાવવાની યોજના બનાવી રહ્યા છીએ. 

ખાસ કરીને વર્તમાન માર્કેટિંગ મોસમમાં અમે ચોખા માટે આંધ્ર પ્રદેશ, તેલંગણા અને ઓરિસ્સામાં ક્યુઆર ટેગ લગાવવામાં આવશે. વિસ્તૃત પાયલોટ હેઠળ ત્રણ રાજ્યોનાં પસંદગીના જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આંધ્ર પ્રદેશમાંથી મિલિંગ પૉઈન્ટથી વિતરણ કરવામાં આવનાર રાજ્યોમાં અંદાજે 10 લાખ ટન ચોખાની ક્યુઆર ટેગ સાથે હેરફેર કરવામાં આવશે, જ્યારે તેલંગણા અને ઓરિસ્સા પ્રત્યેક રાજ્યમાંથી પાંચ લાખ ટન ચોખાની ક્યુઆર ટેગ સાથે હેરફેર કરવામાં આવશે. 

નોંધનીય બાબત એ છે કે ક્યુઆર ટેગની યંત્રણા સત્તાવાળાઓને દરેક ગૂણીને તેનાં પ્રાપ્તિ કેન્દ્ર, તેના ખરીદનાર અને કઈ મોસમ દરમિયાન પ્રાપ્તિ કરવામાં આવી છે તે શોધવામાં સક્ષમ બનાવે છે. તેમ જ ગૂણીને સંગ્રહ દરમિયાન ગોદામમાં અને વિતરણના સમયે વાજબી કિંમતની દુકાનોમાં અડસટ્ટા ધોરણે સ્કેન કરવામાં આવે છે. અમે પ્રાપ્તિ કેન્દ્ર, ખરીદકર્તા એજન્સી અને કઈ મોસમનું અનાજ છે તે શોધી શકીએ છીએ, એમ અધિકારીએ ઉમેર્યું હતું. 

વધુમાં વિતરણના તબક્કે શરૂ કરવામાં આવેલા અન્ય એક પગલાંમાં અમે વાજબી ભાવની દુકાનો પર ઈલેક્ટ્રોનિક પૉઈન્ટ ઑફ સેલ (ઈપીઓએસ) ડીવાઈસ રાખનાર છીએ, જે ક્યુઆર કોડ મેળવીને અધિકારીને કઈ મોસમનું અનાજ વિતરણ કરવામાં આવ્યું છે તે જણાશે અને તેના થકી બિલનું પણ ઑટો જનરેશન શક્ય બનશે તથા સબસિડીનું વિતરણ સુવ્યવસ્થિત થવાની અપેક્ષા છે. હાલમાં સબસિડીનું વિતરણના તબક્કે ક્યુઆર ટેગિંગ સાથે આપવામાં આવે છે, આપણને ધ્યાનમાં હોવું જોઈએ કે કયા ખાદ્યાન્નનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પછીથી બિલોના ઑટો જનરેશનનો પણ પ્રયાસ કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.