સંજય છેલ
હું રૉક સ્ટાર નહીં બનું, હું એક દંતકથા બનીશ
.............................
હું તો હંમેશાં જાણતો હતો કે હું ‘સ્ટાર’ છું, પણ હવે આખી દુનિયા એ વાત માનવા લાગી છે
.............................
મારે સ્વર્ગમાં નહીં નર્કમાં જવું છે. ત્યાં કેટકેટલાં ઇન્ટેરેસ્ટિંગ માણસોને મળવાનો મોકો મળશે,
વિચાર કરો!
.............................
સ્વિટ્ઝર્લેન્ડના લેક જીનિવા કિનારે મોન્ટ્રો શહેરમાં 5 સપ્ટેમ્બર, 2026ના રોજ એક અજબ બર્થ-ડે પાર્ટી ઊજવાઇ. જેનો જન્મદિવસ હતો એને મૃત્યુ પામ્યાને35 વર્ષ થઈ ગયાં હતાં! આમ છતાં દુનિયાભરમાંથી હજારો ચાહકો ‘ફ્રેડી મર્ક્યુરી’ના પૂતળા પાસે ઊમટી પડ્યા. કોઈ ફ્રેડીનું ફેમસ પીળું જૅકેટ પહેરીને આવેલું તો કોઈએ એની પ્રખ્યાત મૂછો બનાવી હતી. ફ્રેડીની બહેન કશ્મીરા બલસારાએ ‘ફ્રેડી, ધ રૉક સ્ટાર’ના 80મા જન્મદિવસની કેક કાપી.
ફ્રેડીનું અસલ નામ- ફારુખ બલસારા. જન્મ 5 સપ્ટેમ્બર, 1946ના રોજ આફ્રિકાના ઝાંઝીબારમાં પારસી માતા-પિતા બોમી ને જેર બલસારાને ત્યાં. ‘બલસારા’ અટકનાં મૂળિયાં ગુજરાતના વલસાડ સાથે છે. દુનિયા જેને બ્રિટિશ રોક સંગીતના મહાનાયક તરીકે ઓળખે છે, એ ફ્રેડીના ઘડતરમાં ઝાંઝીબાર ઉપરાંત ગુજરાત, ભારત ને પારસી સંસ્કૃતિની અસર હતી.
નાનો ફારુખ આઠેક વર્ષનો હતો ત્યારે ભારતમાં ભણવા માટે મોકલવામાં આવ્યો. પંચગનીની સેન્ટ પીટર્સ બૉયઝ સ્કૂલમાં આઠ વર્ષ રહ્યો. ત્યાં મિત્રો ‘ફ્રેડી’ કહેવા લાગ્યા ને એ નામ કાયમનું થઈ ગયું. બાળપણથી પિયાનો શીખેલા ફ્રેડીમાં સાંભળેલી ધૂન તરત પકડી લેવાની આવડત હતી. 12 વરસે જ મિત્રો સાથે ‘ધ હેક્ટિક્સ’ નામનું પહેલું મ્યુઝિકલ ગ્રુપ બનાવ્યું.
ભારત સાથે ફ્રેડીનો સંબંધ માત્ર ભણવા પૂરતો નહોતો. જે ઉંમરે પર્સનાલિટી ઘડાય એ ટીનએજનાં વર્ષો ફ્રેડીએ ભારતમાં વિતાવ્યાં. પારસી ઘરનો વારસો, પંચગનીની સ્કૂલ, પિયાનો, ફિલ્મો ને પશ્ર્ચિમી સંગીત... આ બધું ફ્રેડીના અજ્ઞાત મનમાં ભળતું ગયું. જોકે પાછળથી બ્રિટનમાં ભારતીય મૂળ વિશે ખાસ કહેતો નહીં. ફ્રેડીને એના દેખાવ અને આગળ નીકળેલા દાંત માટે સંકોચ હતો. જોકે પછી એ જ ફ્રેડીની આગવી ઓળખ બની ગઈ.
1964ની ઝાંઝીબારમાં અંદરોઅંદર બળવો થયો પછી બલસારા ફેમિલી ઇંગ્લેન્ડમાં આવ્યા. ફ્રેડીએ ચિત્રકલાનો અભ્યાસ કર્યો, ગુજરાન ચલાવવા રોડ પર જૂનાં કપડાં વેચ્યાં ને નાના-મોટા મ્યુઝિક શોમાં ગાતો રહ્યો. 1970માં બ્રાયન મે અને રોજર ટેલર સાથે જોડાયો. પછી જોન ડીકન આવ્યા અને ‘ક્વીન’ નામની યાદગાર ટીમ બની. ‘ક્વીન’ નામનો આગ્રહ પણ ફ્રેડીનો હતો, કારણ કે એમાં એક જાતનો રાજાપાઠ હતો!
1973માં પહેલું આલબમ આવ્યું, પણ ફ્લૉપ. 1974માં ‘કિલર ક્વીન’ સફળ થયું ને 1975માં ‘બોહેમિયન રેપ્સોડી’એ રોકમ્યુઝિકમાં ઇતિહાસ રચ્યો. 6 મિનિટના આ ગીતમાં ધીમું ગાયન, ઑપેરા ને ધમાકેદાર રોક બધું જ એકસાથે હતું. રેકોર્ડ કંપનીને લાગ્યું કે આટલું લાંબું ગીત રેડિયો પર નહીં ચાલે. તેને ટૂંકું કરવાની સલાહ અપાઈ, પણ ફ્રેડી માન્યો નહીં. અને એ ગીત બ્રિટનમાં સતત 9 અઠવાડિયાં નં.1 પોઝિશન પર ટૉપ પર રહ્યું. એ લાંબું ગીત જ આગળ જતાં ‘ક્વીન’ની સૌથી મોટી ઓળખ બન્યું.
ફ્રેડી પોતાની ખામીઓને જ ખૂબી બનાવી શકતો. એક લાઇવ શોમાં માઇકનું સ્ટૅન્ડ તૂટી ગયું તો અડધા સ્ટેન્ડ સાથે જ ગાવાનું ચાલુ રાખ્યું. પછી એ જ અડધું સ્ટૅન્ડ તેની ઓળખ બની ગયું!
પોશાક, મૂછો, ચાલ અને નાટકીય અદાઓ-ફ્રેડી ગાવા ઊભો થાય એટલે આખા સ્ટેજમાં જાન ફૂંકાઈ જતી. ફ્રેડીની કેરિયરની ઐતિહાસિક તારીખ 13 જુલાઈ, 1985. લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં એક કૉન્સર્ટ માટે ‘ક્વીન’ ગ્રુપને માત્ર 21 મિનિટ મળી ને સામે લગભગ 72,000 લોકો. ફ્રેડી માત્ર ‘એ-ઓ!’ ગાય ને આખું સ્ટેડિયમ એની સાથે ‘એઓ’ ગાય! એ 21 મિનિટ આજે પણ રોક મ્યુઝિકના ઇતિહાસની સૌથી યાદગાર રજૂઆતોમાં ગણાય છે. 9 ઑગસ્ટ, 1986ના નેબવર્થ પાર્કના કાર્યક્રમમાં 1 લાખથી વધુ લોકો ઊમટ્યા. ‘ક્વીન’ સાથે એ ફ્રેડીનો છેલ્લો કાર્યક્રમ બન્યો.
સ્ટેજ પર બિન્દાસ ખુશખુશાલ દેખાતા ફ્રેડીનું અંગત જીવન ખૂબ ગૂંચવાયેલું હતું. જુવાનીમાં મેરી ઑસ્ટિન સાથે પ્રેમ થયો. બંને સાથે રહ્યાં ને લગ્ન સુધી વાત પહોંચી. પછી ફ્રેડીએ પોતાની સેક્સ લાઇફ વિશે મેરીને પ્રમાણિકતાથી કબૂલ્યું. ફ્રેડી ’ગે’ હતો ને પુરુષો સાથે તેના સંબંધો રહ્યા. મેરી સાથેનો પ્રેમસંબંધ પૂરો થયો, પણ બંને વચ્ચેની લાગણી જીવનભર રહી. મૃત્યુ પછી પોતાના લંડનનું ઘર અને મિલકતનો મોટો હિસ્સો પણ તે મેરીને આપી ગયેલો.
જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેનો પ્રેમી ને સાથી જિમ હટન હતો. વ્યવસાયે હેરડ્રેસર જિમ, ફ્રેડીની તબિયત લથડતી ગઈ ત્યારે પણ તેની સાથે રહ્યો. ફ્રેડીની ભવ્ય પાર્ટીઓ અને બેફામ જીવન બ્રિટિશ અખબારોમાં ચર્ચાતાં રહેતાં. ફ્રેડીને બિલાડીઓ માટે બાળક જેવો પ્રેમ હતો. પ્રવાસમાંથી ઘરે ફોન કરીને બિલાડીઓની ખબર પૂછતો ને ક્યારેક ફોન બિલાડીના કાન પાસે મૂકવાનું પણ કહેતો!
ફ્રેડીની સફળતા માત્ર એના અનોખા અવાજમાં નહોતી. રોકની ધમાલ, ઑપેરાની ભવ્યતા, વિચિત્ર પોશાક, શરીરની મ્યુઝિકલ મૂવમેન્ટ અને પ્રેક્ષકો સાથેનો જીવંત સંપર્કમાં હતી. ફ્રેડીની સૌથી મોટી કળા એ હતી કે એ હજારોની ભીડને એકસાથે ગવડાવી શકતો. ફ્રેડી, સ્ટેજ પર હોય ત્યારે પ્રેક્ષકો માત્ર સાંભળતા નહોતા, લોકો પણ સંગીતનો હિસ્સો બની જતા.
1987માં વિખ્યાત સ્પેનિશ ઑપેરા ગાયિકા ‘મોન્ટસેરાત કાબાલ્યે’ સાથે તેણે ‘બાર્સેલોના’ ગાયું. પણ ત્યાં સુધીમાં તો ફ્રેડીને એઇડ્સ થઈ ચૂક્યો હતો. શરીર નબળું પડતું ગયું, છતાં ગાવાનું છોડ્યું નહીં. જીવનનાં છેલ્લા વર્ષોમાં મોન્ટ્રો તેનું પ્રિય શહેર બન્યું. ત્યાંના સરોવર ને પહાડોથી પ્રેરાઈને બનાવેલું ‘અ વિન્ટર્સ ટેલ’ ફ્રેડીનુ છેલ્લું ગીત ગણાય છે.
23 નવેમ્બર, 1991ના રોજ ફ્રેડીએ એ જમાનામાં બિન્દાસ્ત જાહેર કર્યું કે એને એઇડ્સ છે. બીજા જ દિવસે, 24 નવેમ્બરે, એઇડ્સને કારણે થયેલા ન્યુમોનિયાથી માત્ર 45 વર્ષની ઉંમરે મૃત્યુ!
1996માં મોન્ટ્રોના સરોવર કિનારે ફ્રેડીનું પૂતળું મૂકાયું: ફ્રેડીના એક હાથમાં માઇકનું સ્ટૅન્ડ ને બીજો હાથ આકાશ તરફ.
અને હમણાં 5 સપ્ટેમ્બર, 2026. એ જ પૂતળા સામે ફરી હજારો લોકોએ ફ્રેડીનો 80મો જન્મદિવસ ઊજવ્યો, ત્યારે એ ભીડમાં 13 વર્ષની એક છોકરી ફ્રેડીનું ફેમસ પીળું જેકેટ પહેરીને ફ્રેડીના પૂતળા પાસે બેઠી તેનું ચિત્ર દોરી રહી હતી. એ છોકરી કે જેનો જન્મ ફ્રેડીના ગયા પછી છેક 22 વરસે થયેલો!
ફારુખ બલસારા માત્ર 45 વર્ષ જીવ્યો પણ રોક સ્ટાર ‘ફ્રેડી મર્ક્યુરી’ જાણે હજીયે સ્ટેજ પરથી ઊતર્યો જ નથી.!