અમદાવાદ: ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને ચૂંટણી પંચ પર થતી રાજકીય ટીકાઓ સામે પોતાની પ્રતિક્રિયા આપી છે. જ્ઞાનેશ કુમારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જેમ પૂર્વ દિશામાં સૂર્યનો ઉદય થવો એ સાર્વત્રિક સત્ય છે, તેમ રાજકીય પ્રહારો વચ્ચે પણ ભારતીય ચૂંટણી પંચની કાર્યપ્રણાલીની નિષ્પક્ષતા અને ઈમાનદારી સંપૂર્ણપણે અડગ છે.
મતદાન પ્રક્રિયા અંગે CEC જ્ઞાનેશ કુમારે શું કહ્યું?
તેમણે કહ્યું કે, તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં મતદારોનો ઉત્સાહ અને વધતુ મતદાન ભારતીય લોકશાહીમાં નાગરિકોનો વિશ્વાસને દર્શાવે છે. દસ્તાવેજો અને જૂના ડેટાના આધારે ચાલી રહેલી SIR પ્રક્રિયા અંગે માહિતી આપતા જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, મતદાર યાદીને ચોક્કસ અને ક્ષતિ રહિત બનાવવા માટે જૂના ડેટાનું મેપિંગ અત્યંત જરૂરી છે. આ પ્રક્રિયાથી યાદીમાંથી જૂની કે ડુપ્લિકેટ પ્રવિષ્ટિઓ દૂર કરવામાં અને અલગ-અલગ ઓળખપત્રોમાં રહેલી ભૂલો જેવી વિસંગતતાઓને સુધારવામાં આવી રહી છે.
દેશમાં 90 કરોડથી વધુ રજિસ્ટર્ડ મતદાર છે
નાગરિકતા કાયદા અને દસ્તાવેજી પુરાવાઓનો ઉલ્લેખ કરતા જ્ઞાનેશ કુમારે કહ્યું કે, આવી પ્રક્રિયાઓ દરમિયાન પંચે જનતા અને વિપક્ષની આકરી ચકાસણીનો સામનો કરવો પડે છે, પરંતુ તેનો આખરી હેતુ મતદાર યાદીને વધુ પારદર્શક બનાવવાનો છે.
ભારતીય ચૂંટણી પ્રક્રિયા અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, દેશમાં આશરે 90 કરોડ મતદારો નોંધાયેલા છે, જેથી આટલા મદતારો સાથે ચૂંટણી યોજવી એ વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા-વ્યવસ્થા છે, જેમાં અંદાજે 1.8 કરોડ ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવે છે. આટલા મોટા વહીવટી માળખાનું સફળ સંચાલન કરવું તે ભારતની ચૂંટણી પ્રણાલીની અનન્ય ક્ષમતાનું પ્રતીક છે.
ચૂંટણી પ્રક્રિયાના ત્રણ મુખ્ય સ્તંભ અંગે કરી વાત
ચૂંટણી પ્રક્રિયા અંગે વાત કરતા કહ્યું કે, મતદાર યાદી તૈયાર કરવી, મતદાન પ્રક્રિયા હાથ ધરવી અને મતગણતરી કરવી આ ચૂંટણી પ્રક્રિયાના ત્રણ મુખ્ય સ્તંભ છે. આ સમગ્ર માળખામાં આશરે 12 લાખ બૂથ લેવલ ઓફિસર (BLO) ઘરે-ઘરે જઈને ચકાસણી કરે છે. ‘દરેક યોગ્ય વ્યક્તિ મતદાર બને અને કોઈ પણ અયોગ્ય વ્યક્તિ મતદાર યાદીમાં સામેલ ન થાય’ આ પંચનો એક જ મંત્ર છે તેવું CEC જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું.
VIDEO | Ahmedabad, Gujarat: "Great sense of pride in visiting the birthplace of Mahatma Gandhi," says CEC Gyanesh Kumar. (Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) https://t.co/XRpL1ZKv5j
— Press Trust of India (@PTI_News) September 10, 2026
EVMની સુરક્ષા અંગે દેશવાસીઓને આશ્વાસન આપ્યું
CEC જ્ઞાનેશ કુમારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ની સુરક્ષા અંગે દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે EVM મશીનો ઈન્ટરનેટ, વાઈ-ફાઈ (Wi-Fi) કે બ્લૂટૂથ (Bluetooth) સાથે જોડાયેલા હોતા નથી, જેથી તેને હેક કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. મતદાન શરૂ થતાં પહેલાં ઉમેદવારોના અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં મશીનોની યોગ્ય કામગીરી ચકાસવા માટે 'મોક પોલ' (પોલિંગ ચકાસણી) યોજવામાં આવે છે.
મતદાન પૂર્ણ થયા બાદ પડેલા કુલ મતોની નોંધ ફોર્મ 17સીમાં કરવામાં આવે છે અને તમામ નિયમોનું પાલન કરીને મશીનો સીલ કરવામાં આવે છે. તે પછી મતગણતરી સમયે ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટોની હાજરીમાં જ મશીનના પરિણામો ચકાસવામાં આવે છે તેવું જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું.