મુંબઈ: મુંબઈમાં શિવસેનાના ઠાકરે જૂથને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. એક સાથે ઠાકરે જૂથમાંથી 6 સંસદ સભ્યોએ બળવો કર્યો. તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સ્વતંત્ર જૂથ બનાવવાનો દાવો કર્યો. ત્યાર બાદ બીજા જ અઠવાડિયે એકનાથ શિંદેએ ફરી એકવાર ઉદ્ધવ ઠાકરેને ઝટકો આપ્યો.
ઠાકરે જૂથના નેતા સચિન આહિરને સીધા જ વિધાન પરિષદના ઉપાધ્યક્ષ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા. આ ઠાકરે માટે આંચકો હતો. ઉદ્ધવ ઠાકરે 6 બળવાખોર સંસદ સભ્યના મતવિસ્તારનો પ્રવાસ કર્યો. ત્યાં તેમણે એક બેઠક યોજી બળવાખોર સંસદ સભ્યોને આડે હાથ લીધા હતા.
જોકે, મુંબઈ પહોંચતાની સાથે જ તેઓ ચોંકી ગયા. ગઈકાલે સચિન આહિરે પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. સચિન આહિરને આદિત્ય ઠાકરેના અત્યંત નિકટના નેતા માનવામાં આવતા હતા. એકનાથ શિંદેએ એક સાચા કાર્યકર્તાને ન્યાય આપ્યો છે એવી લાગણી શિવસેના શિંદે જૂથ વ્યક્ત કરી રહ્યું છે.
ગઈકાલે શિવસેના શિંદે જૂથ તરફથી સચિન આહિરે વિધાન પરિષદના ઉપાધ્યક્ષ પદ માટે અરજી કરી હતી. આ દરમિયાન એવી ચર્ચા હતી કે વિધાનસભ્ય સુનીલ શિંદે પણ બળવો કરવાની તૈયારી કરી રહ્યા છે. એટલું જ નહીં સૂત્રોએ જણાવ્યા અનુસાર સુનીલ શિંદેની સાથે અન્ય 11 વિધાન સભ્યો શિવસેના ઠાકરે જૂથમાંથી બળવો કરીને શિંદે જૂથમાં જોડાશે. આ અટકળો વચ્ચે સુનીલ શિંદેએ આ અંગે ખુલાસો કર્યો છે.
સુનીલ શિંદેએ કહ્યું કે પોતે શિંદે શિવસેનામાં જોડાશે તેવી વાતો પાયાવિહોણી છે. મારા માટે શિંદેની શિવસેનામાં જોડાવવું અશક્ય છે. મારા હિતશત્રુઓ અફવા ફેલાવી રહ્યા છે. એવું કહેવાય છે કે શિવસેના શિંદે જૂથના કેટલાક વિધાનસભ્યો એકનાથ શિંદેના સંપર્કમાં છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે રાજ્યના રાજકારણમાં કંઈક મોટું થઈ શકે છે.