મુંબઈઃ ઉદ્ધવ ઠાકરે જૂથના છ બળવાખોર સાંસદો 'વાય-પ્લસ' પોલીસ સુરક્ષા હેઠળ મુંબઈ પહોંચ્યા બાદ આજે બપોરે 2 વાગ્યે,એકનાથ શિંદેને તેમના સત્તાવાર નિવાસસ્થાન 'નંદનવન' ખાતે ચર્ચા માટે મળ્યા હતા. ત્યાર બાદ, યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે, તેઓ જાહેરમાં પક્ષમાં જોડાયા. બધા છ સાંસદોના કહેવા મુજબ ભંડોળનો અભાવ અને સત્તાથી બહાર રહીને સામાન્ય લોકો માટે કામ કરવામાં આવતી મુશ્કેલીઓને કારણે તેમને આ નિર્ણય લેવાની ફરજ પડી હતી.
એકનાથ શિંદેએ શું કહ્યું?
એકનાથ શિંદેએ તેમની સાથે જોડાયેલા દરેક સાંસદોનો ખાસ પરિચય કરાવ્યો. તેમણે જણાવ્યું કે આ સાંસદોએ મહારાષ્ટ્રના સર્વાંગી વિકાસ અને તેમના મતવિસ્તારના લોકોને પડતી સમસ્યાઓના ઉકેલ માટે તેમની સાથે જોડાવાનો નિર્ણય લીધો છે. આગળ બોલતા, તેમણે કહ્યું કે અમારી પાર્ટી બાળાસાહેબ ઠાકરેની વિચારધારા પર આધારિત છે. એટલા માટે છ સંસદ સભ્યો અમારી 'વાસ્તવિક' શિવસેનામાં જોડાયા. કેટલાક લોકો ખોટી અટકળોમાં વ્યસ્ત છે.
હું તેમને કહેવા માંગુ છું કે અમે કોઈને અવરોધવા કે કચડી નાખવા માટે ભેગા થયા નથી, પરંતુ શિવસેનાનો વિસ્તાર કરવા માટે ભેગા થયા છીએ. અમારી, વિચારધારા હિન્દુત્વની અને અમારો એજન્ડા વિકાસ છે. આપેલું વચન પાળવું એ શિવસેનાની ઓળખ છે.એકનાથ શિંદેએ છ સંસદ સભ્યોના મતવિસ્તારોને લગતા કાર્યો, મુદ્દાઓ અને પ્રોજેક્ટ્સ પર નિષ્ઠાપૂર્વક ધ્યાન આપવાનું વચન આપ્યું હતું.