Tue Jun 23 2026

Logo

‘જોર કા ઝટકા’એ માનસિક સંતુલન બગાડ્યું: એકનાથ શિંદે

2026-06-23 17:14:05
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાના સાસંદોમાં પડેલા ભંગાણને મુદ્દે શિવસેના (યુબીટી)ની મજાક ઉડાવતા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે એવો દાવો કર્યો હતો કે ‘આગલા દિવસે (સોમવારે) લાગેલા ‘જોર કા ઝટકા’ને કારણે વિપક્ષે પોતાનું માનસિક સંતુલન ખોઈ નાખ્યું છે, પરંતુ આગામી દિવસોમાં આવા વધુ ઝટકા લાગવાના છે. 

અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકરે અન્ય ખાતાના જવાબ આપવાની પ્રધાનને પરવાનગી આપી તેના પર નારાજી વ્યક્ત કરતાં એનસીપી-એસપીના જયંત પાટીલે એવી માગણી કરી હતી કે આ નિર્ણય પાછો ખેંચવામાં આવે. શિવસેના (યુબીટી)ના આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે ફક્ત સંબંધિત ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન જ જવાબ આપી શકે છે. જ્યારે કૉંગ્રેસના નીતિન રાઉતે કહ્યું હતું કે આવું પહેલાં ક્યારેય થયું નથી. 

આ જ મુદ્દે વિપક્ષોએ સભાત્યાગ કર્યા બાદ એકનાથ શિંદે સભાગૃહમાં આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે વિપક્ષ પાસે અર્થપૂર્ણ મુદ્દા ન હોવાથી આવા અર્થહીન મુદ્દા ઉઠાવી રહ્યા છે. 
તેમણે એમ પણ કહ્યું હતું કે ધ્યાનાકર્ષક મુદ્દે સભાગૃહમાં હાજરી આપવી અને સભ્યોને જવાબ આપવા તે સરકારની સામુહિક જવાબદારી છે. હું પોતે ગૃહમાં આવું છું અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ આવે છે અને જવાબ આપે છે, આથી જ આ અમારી સામુહિક જવાબદારી છે.