મુંબઈઃ ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ની શિવસેનાના છ સાંસદો બળવો કરીને એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા અને પાર્ટીમાં તેમના પ્રવેશ નિમિત્તે એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હાજરી આપી હતી. આ સાંસદોએ જણાવ્યું હતું કે તેઓ તેમના મતવિસ્તારના વિકાસ અને વિકાસ ભંડોળ મેળવવા માટે પક્ષ બદલી રહ્યા છે. દરમિયાન, તેમના પાર્ટીમાં પ્રવેશ કર્યા પછી એકનાથ શિંદેએ તિજોરી ખોલી નાખી છે અને જાહેરાત કરી છે કે જે સાંસદો જોડાયા છે તેમને મોટું વિકાસ ભંડોળ ફાળવવામાં આવશે.
એકનાથ શિંદેએ પત્રકારો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે તેઓ કોઈપણ ઓપરેશન અધૂરું છોડતા નથી; 'ઓપરેશન ટાઇગર' સફળ રહ્યું છે, અને બધી કાનૂની અને બંધારણીય પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે. બધા છ સાંસદો ખુશ છે. તેઓ હવે મૂળ શિવસેનામાં જોડાયા છે,આ ટિપ્પણીઓ સાથે શિંદેએ 'ઓપરેશન ટાઇગર'ની સફળતાનો પુનરોચ્ચાર કર્યો. જે સાંસદો જોડાયા છે તેમના મતવિસ્તારમાં ઝડપી વિકાસ થશે.
અમે અધિકારીઓને આજે જ અમુક વિભાગો માટે ભંડોળ દરખાસ્તો સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે, અને મેં કેટલાક ભંડોળ તાત્કાલિક રિલીઝ કરવા માટે સૂચનાઓ જારી કરી છે. નવા ચૂંટાયેલા સાંસદોનો પ્રાથમિક એજન્ડા તેમના મતવિસ્તારનો વિકાસ હતો, અને અમે હવે આ એજન્ડાને ગતિ આપશું.
એનડીએની તાકાતમાં પણ વધારો થયો છે. શિંદેએ જણાવ્યું હતું કે આ છ સાંસદો 'ડબલ-એન્જિન' સરકારમાં જોડાયા હોવાથી, હવે તેમને નોંધપાત્ર વિકાસ ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે.