નવી દિલ્હીઃ સોનાની નિકાસ કરતી કંપની રાજેશ એક્સપોર્ટ્સ પર બજાર નિયમનકાર સેબીએ આરોપ લગાવ્યો હતો કે રાજેશ એક્સપોર્ટ્સે 15.15 લાખ કરોડ રૂપિયાની નિકાસ ખોટી રીતે બતાવી છે જે તેની કુલ નિકાસના 99 ટકા છે. ત્યાર બાદ સેબીએ કંપની અને તેના પ્રમોટર રાજેશ મહેતા વિરુદ્ધ વચગાળાનો આદેશ જાહેર કર્યો, જેમાં તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને કંપનીના શેરની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કંપની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
બેંગલુરુમાં હેડક્વાર્ટર્સ ધરાવતી કંપની પર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે કંપની સાથે જોડાયેલા બેંગલુરુ અને મુંબઈના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
સેબીના વચગાળાના આદેશ મુજબ, રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડે કથિત રીતે પાંચ વર્ષમાં પોતાની કુલ આવકને 15 લાખ કરોડથી વધુનો વધારો બતાવ્યો હતો. કંપનીની આ આવક મુખ્ય રીતે પોતાની વિદેશી પેટાકંપનીઓ ખાસ કરીને સ્વિટ્ઝર્લૅન્ડ સ્થિત વેલકેમ્બી એસએને આવકનો મુખ્ય સ્ત્રોત ગણાવ્યો હતો. જ્યારે તે પેટાકંપનીના ઓડિટેડ સ્ટેન્ડઅલોન નાણાકીય નિવેદનોમાં તે રકમ ખૂબ ઓછી બતાવવામાં આવી હતી.
સેબીના વચગાળાના આદેશ મુજબ, નિયમનકારે કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજેશ મહેતાને રાજેશ એક્સપોર્ટ્સની સિક્યોરિટીઝ ખરીદવા, વેચવા અથવા વ્યવહાર કરવાથી સીધા કે આડકતરી રીતે, આગામી આદેશો સુધી પ્રતિબંધિત કર્યા છે.
જોકે રાજેશ એક્સપોર્ટ્સે કોઈપણ પ્રકારની નાણાકીય ગેરરીતિઓનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેની બતાવવામાં આવેલી આવક સાચી હતી અને બજાર નિયમનકાર અને પેઢી વચ્ચે કમ્યુનિકેશન ગેપ રહી ગઈ હતી.