Wed Sep 30 2026

Logo

ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ વર્કશોપે રચ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, મૂર્તિના કદ કરતાં ભક્તિ અને પર્યાવરણ વધુ મહત્વનુંઃ ફડણવીસ

2026-09-10 20:46:32
Author: Mumbai Samachar Team
ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ વર્કશોપે રચ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, મૂર્તિના કદ કરતાં ભક્તિ અને પર્યાવરણ વધુ મહત્વનુંઃ ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રના વાશી સ્થિત સીડકો એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ‘ઈકો-ફ્રેન્ડલી મહા ગણેશ મૂર્તિ વર્કશોપ 2026’નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણ સંરક્ષણનું મહત્વ જણાવતા કહ્યું હતું કે ગણપતિની મૂર્તિનું કદ નહીં, પરંતુ ભક્તિ અને પ્રકૃતિની સંભાળ વધુ મહત્વની છે. તેમણે નાગરિકોને તહેવારોની ઉજવણી પર્યાવરણને નુકસાન ન પહોંચે તે રીતે કરવાની અપીલ કરી હતી અને તેને દરેક નાગરિકની સામૂહિક જવાબદારી ગણાવી હતી.

વાશી સ્થિત સીડકો એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ‘ઈકો-ફ્રેન્ડલી મહા ગણેશ મૂર્તિ વર્કશોપ 2026’ ના મેગા કાર્યક્રમમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓએ એકસાથે પરંપરાગત અને પર્યાવરણપૂરક માટીમાંથી ગણપતિની મૂર્તિઓ બનાવી હતી. આ વિશાળ સામૂહિક પ્રયાસને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સત્તાવાર રીતે સ્થાન મળ્યું છે.

ગિનીસના અધિકારીઓ દ્વારા રેકોર્ડની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા મુખ્ય પ્રધાન ફડણવીસે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન મુખ્યપ્રધાન ફડણવીસે જણાવ્યું હતું કે માનવજીવનના અસ્તિત્વ માટે કુદરતી તત્વોનું સંરક્ષણ અત્યંત જરૂરી છે. ભગવાન ગણેશ જ્ઞાન અને બુદ્ધિના પ્રતિક છે, ત્યારે ગણેશોત્સવની ઉજવણી પણ જ્ઞાન અને જવાબદારી સાથે થવી જોઈએ.

મુખ્ય પ્રધાને નાગરિકોને પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિઓ તેમજ રાસાયણિક રંગોના ઉપયોગથી દૂર રહેવા અપીલ કરી હતી. આવી સામગ્રીના ઉપયોગથી જળપ્રદૂષણ વધે છે અને પર્યાવરણને નુકસાન થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભગવાનના આશીર્વાદ મૂર્તિના ભૌતિક કદ પર નહીં, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની નિઃસ્વાર્થ સેવા અને જવાબદારી પર આધારિત છે.

મુખ્ય પ્રધાને આ સફળતાના સાચા શિલ્પકાર તરીકે ભાગ લેનારા વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. સાથે જ પર્યાવરણ વિભાગ, કલા નિર્દેશાલય અને સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટના સંયુક્ત પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. 

પર્યાવરણ પ્રધાન પંકજા મુંડેએ ણ વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા અને તેમની સાથે માટીની ગણેશ મૂર્તિઓ બનાવવામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ યુવા શિલ્પકારોએ પર્યાવરણના સાચા રક્ષક તરીકે પોતાની ઓળખ બનાવી છે. તેમણે પર્યાવરણમિત્ર ગણેશોત્સવનો સંદેશ મહારાષ્ટ્રના ઘરો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યના વન પ્રધાન ગણેશ નાઈક તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 10,000થી વધુ વિદ્યાર્થીઓની એકસાથે મૂર્તિ નિર્માણની આ પહેલે માત્ર વિશ્વ રેકોર્ડ જ સ્થાપ્યો નથી, પરંતુ પર્યાવરણપૂરક ગણેશોત્સવ અને જવાબદારીપૂર્વક તહેવાર ઉજવણીનો સંદેશ પણ આપ્યો હતો.