Mon Oct 05 2026

Logo

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: દુષ્કાળગ્રસ્ત વિસ્તારના વિદ્યાર્થીઓની ધો. 10-12ની ફી સંપૂર્ણ માફ

2026-09-30 20:49:00
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: દુષ્કાળગ્રસ્ત વિસ્તારના વિદ્યાર્થીઓની ધો. 10-12ની ફી સંપૂર્ણ માફ

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે રાજ્યના દુષ્કાળગ્રસ્ત 265 તાલુકાના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફ કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડના અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી. આ નિર્ણયથી દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાં રાહત મળશે.

બોર્ડે તેના તમામ વિભાગીય એકમોને આ વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી લીધા વિના ઓનલાઈન અરજી સ્વીકારવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય હેઠળ માધ્યમિક શાળા પ્રમાણપત્ર એટલે કે એસએસસી અને ઉચ્ચ માધ્યમિક પ્રમાણપત્ર એટલે કે એચએસસી પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓને લાભ મળશે. 

આ પરીક્ષાઓ ફેબ્રુઆરી-માર્ચ 2027માં યોજાવાની શક્યતા છે. રાજ્ય બોર્ડે જણાવ્યું છે કે આગામી આદેશ સુધી આ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી માફીનો નિર્ણય અમલમાં રહેશે. વિદ્યાર્થીઓની ઓનલાઈન અરજી પ્રક્રિયા દરમિયાન તેમની પાસેથી પરીક્ષા ફી વસૂલવામાં આવશે નહીં.

મહારાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે રાજ્યના કુલ 358માંથી 265 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ તાલુકાઓ રાજ્યના લગભગ 74 ટકા વિસ્તાર આવરી લે છે. દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાં રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 
પરીક્ષા ફી માફ કરવાનો આ નિર્ણય 25 સપ્ટેમ્બરના સરકારી ઠરાવ બાદ લેવામાં આવ્યો છે. આ ઠરાવમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે વિવિધ રાહતો જાહેર કરવામાં આવી હતી. તેમાં વિશેષ પગલા તરીકે પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રાહતો હેઠળ હવે દુષ્કાળગ્રસ્ત 265 તાલુકાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ મળશે. રાજ્ય બોર્ડે તેના વિભાગીય એકમોને આ અંગે જરૂરી સૂચનાઓ આપી છે અને આગામી આદેશ સુધી ફી વસૂલ્યા વિના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ રહેશે.