Mon Oct 05 2026

Logo

એન્ટિલિયા બોમ્બ કેસમાં વાઝેના જામીન પર સ્ટેઃ સાત ઓક્ટોબર સુધી જેલમાં રહેશે

2026-09-30 19:05:31
Author: Mumbai Samachar Team
એન્ટિલિયા બોમ્બ કેસમાં વાઝેના જામીન પર સ્ટેઃ સાત ઓક્ટોબર સુધી જેલમાં રહેશે

મુંબઈ:

મંગળવારે ન્યાયમૂર્તિ સારંગ કોટવાલ અને ન્યાયમૂર્તિ રણજિતસિંહ ભોંસલેની ખંડપીઠ સમક્ષ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી. જોકે, આ ખંડપીઠે મામલો સાંભળવાથી પોતાને અલગ કરી લીધા હતા. 
ત્યાર બાદ આજે ન્યાયમૂર્તિ ભારતી ડાંગ્રે અને ન્યાયમૂર્તિ આશિષ ચવાણની ખંડપીઠ સમક્ષ અરજી રજૂ કરવામાં આવી હતી, પરંતુ આ ખંડપીઠે પણ અગાઉના સંબંધિત કેસોને કારણે સુનાવણીથી પોતાને અલગ કરી લીધા હતા.

ન્યાયમૂર્તિ ડાંગ્રેએ જણાવ્યું હતું કે તેમણે અગાઉ મનસુખ હિરેન અને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે જોડાયેલા અન્ય એક કેસમાં વાઝેની અરજીથી પોતાને અલગ કરી હતી. જ્યારે આ અલગ કેસ હોવાનું રાષ્ટ્રીય તપાસ એજન્સીના વકીલે જણાવ્યું, ત્યારે પણ ન્યાયમૂર્તિ ડાંગ્રેએ સંબંધિત જોડાણોને ધ્યાનમાં રાખીને આ કેસમાં પણ સુનાવણી ન કરવાનો નિર્ણય લીધો હતો. ન્યાયમૂર્તિ ચવાણ પણ અગાઉ આ જ સંબંધિત કેસમાં સીબીઆઈ તરફથી હાજર રહ્યા હોવાથી ખંડપીઠે મામલો સાંભળ્યો નહોતો.

દરમિયાન, ત્રીજી ખંડપીઠ સમક્ષ મામલો પહોંચતા ન્યાયમૂર્તિ ગિરીશ કુલકર્ણી અને ન્યાયમૂર્તિ નીલા ગોખલેએ વિશેષ અદાલત દ્વારા આપવામાં આવેલા વાઝેના જામીનના આદેશ પર હાલ પૂરતી રોક લગાવી છે. આ સાથે રાષ્ટ્રીય તપાસ એજન્સીની અરજીની આગળની સુનાવણી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં રાખવામાં આવી છે. પરિણામે વાઝેને હાલ જેલમાંથી બહાર આવવાની રાહ જોવી પડશે.

આ કેસ 25 ફેબ્રુઆરી 2021ના રોજ શરૂ થયો હતો, જ્યારે દક્ષિણ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવી હતી. ત્યાર બાદ આ ગાડી વેપારી મનસુખ હિરેન સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું હતું અને 5 માર્ચે હિરેનનો મૃતદેહ થાણેની ખાડીમાંથી મળી આવ્યો હતો. સચિન વાઝેની માર્ચ 2021માં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે કસ્ટડીમાં હતો.

મંગળવારે વિશેષ અદાલતે વાઝેને એક લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને સ્થાનિક જામીનદારની શરતે જામીન આપ્યા હતા. અદાલતે નોંધ્યું હતું કે તપાસ એજન્સી અંબાણી પરિવારના કોઈ સભ્યનું નિવેદન નોંધવામાં નિષ્ફળ રહી હતી અને હાલના પુરાવાના આધારે વાઝે સામે આતંકવાદી કૃત્યનો પ્રથમદર્શી કેસ સાબિત થતો નથી. 
જોકે, હવે બોમ્બે હાઇ કોર્ટે જામીન પર રોક લગાવતાં આ કેસમાં આગળની કાનૂની કાર્યવાહી એટલે કે સાત ઓક્ટોબર સુધી વાઝે જેલમાં જ રહેશે.