Mon Oct 05 2026

Logo

2050માં કેટલી હશે મુસ્લિમોની વસતી? શું કહે છે રિપોર્ટના આંકડા? જોઈને ચોંકી ઉઠશો...

2026-09-30 21:11:41
Author: Darshana Visaria
2050માં કેટલી હશે મુસ્લિમોની વસતી? શું કહે છે રિપોર્ટના આંકડા? જોઈને ચોંકી ઉઠશો...

ભારતની બદલાતી વસ્તી અને વિવિધ ધાર્મિક સમુદાયોનું વસ્તી વિષયક માળખું હંમેશાંથી નીતિ નિર્માતાઓ, ડેમોગ્રાફિક નિષ્ણાતો અને સામાન્ય જનતા વચ્ચે ઊંડી ચર્ચા અને કુતૂહલનો વિષય રહ્યું છે. સોશિયલ મીડિયા પર અવારનવાર દેશની ધાર્મિક વસ્તી અને તેના ભવિષ્યના આંકડાઓને લઈને અનેક પ્રકારના દાવાઓ અને ઇન્ફોગ્રાફિક્સ વાઈરલ થતાં હોય છે. આવા સંજોગોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકોના મનમાં પ્રશ્ન થાય છે કે વર્તમાન વર્ષ 2026માં ભારતમાં મુસ્લિમ વસ્તી કેટલી છે અને તેના પર વૈશ્વિક સંશોધન સંસ્થાઓ શું કહે છે.

જો સત્તાવાર સરકારી આંકડાઓની વાત કરીએ તો ભારત સરકારે 2026 માટે હજુ સુધી ધર્મવાર કોઈ નવી વસ્તી ગણતરીનો ડેટા જાહેર કર્યો નથી. દેશમાં છેલ્લી સત્તાવાર વસ્તી ગણતરી 2011માં થઈ હતી. જોકે, વૈશ્વિક અને સ્થાનિક શોધ સંસ્થાઓના ડેમોગ્રાફિક પ્રોજેક્શન અને અનુમાનોના આધારે 2026ની સ્થિતિનું એક સ્પષ્ટ અને વૈજ્ઞાનિક ચિત્ર સામે આવે છે.

વર્ષ 2011ની છેલ્લી સત્તાવાર વસ્તી ગણતરીના આંકડા શું હતા?:

2011ની વસ્તી ગણતરી અનુસાર, ભારતની કુલ 121 કરોડની વસ્તીમાં મુસ્લિમોની વસ્તી આશરે 17.22 કરોડ નોંધાઈ હતી. તે સમયે મુસ્લિમ સમુદાય દેશની કુલ વસ્તીના 14.23 ટકા હિસ્સો ધરાવતો હતો. ઈન્ડોનેશિયા પછી ભારત સમગ્ર વિશ્વમાં બીજી સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે.

વાત કરીએ વર્ષ 2026માં ભારતની મુસ્લિમ વસ્તી કેટલી છે એની તો તાજેતરના વર્ષોમાં ભારતની અંદાજિત કુલ વસ્તી વધીને આશરે 144થી 146 કરોડની વચ્ચે પહોંચી ગઈ છે. તમામ સમુદાયોની કુદરતી વૃદ્ધિ સાથે મુસ્લિમ વસ્તીમાં પણ પ્રમાણસર વધારો થયો છે.

વિવિધ ડેમોગ્રાફિક રિપોર્ટ્સ અને વસ્તી વૃદ્ધિ દરના મોડેલ મુજબ, 2026 સુધીમાં ભારતમાં મુસ્લિમ વસ્તી વધીને 20 કરોડથી 22 કરોડ વચ્ચે પહોંચવાનો અંદાજ છે. ટકાવારીના આધારે જોઈએ તો હાલ દેશમાં મુસ્લિમ વસ્તી કુલ વસ્તીના આશરે 14.5 ટકાથી 15 ટકાની આસપાસ રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જે 2011 પછીના વૃદ્ધિ દરના આધારે કુદરતી વધારો દર્શાવે છે.

2050માં શું હશે પરિસ્થિતિ? 

જાણીતી આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થા પ્યુ રિસર્ચના ભવિષ્યલક્ષી અહેવાલ અનુસાર વર્ષ 2050 સુધીમાં ભારતના વસ્તી માળખામાં નોંધપાત્ર ફેરફારો જોવા મળશે. આ રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર, 2050 સુધીમાં હિન્દુઓની વસ્તી આશરે 1.3 અબજ (76.7 ટકા) અને મુસ્લિમ વસ્તી વધીને અંદાજે 31.1કરોડ (કુલ વસ્તીના 18.4 ટકા) સુધી પહોંચી શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મુસ્લિમ સમુદાયમાં સરેરાશ ઉંમર (Median Age) ઓછી હોવાના કારણે અને પ્રજનન દરના ધીમા ઘટાડાને કારણે આગામી થોડા દાયકાઓ સુધી આ પ્રમાણસર વૃદ્ધિ જોવા મળી શકે છે. સંપૂર્ણ સચોટ અને સત્તાવાર ડેટા માટે આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાનારી સત્તાવાર વસ્તી ગણતરી (Census)ના પરિણામોની રાહ જોવી પડશે.