પેટ્રોલ જેવાં ઈંધણની અછત અને વધતા જતા ભાવને કારણે આપણે ત્યાં ઈથનોલયુકત સસ્તા પેટ્રોલના વપરાશના સરકારી નિર્ણય સામે દેશભરમાં જબરો વિરોધ જાગ્યો છે. આ વિરોધ માટે ગળે ઊતરે એવાં જોઈતાં કારણો પણ છે. આ વાદ-વિવાદમાં કેન્દ્રના વરિષ્ઠ મંત્રી નીતિન ગડકરીનું નામ પણ સંડોવાયું છે. વિપક્ષોનો આરોપ છે કે ઊ-20ની સરકારી વેચાણ નીતિ-રીતિ પાછળ આપણી સરકાર પર અમેરિકન લોબીનું દબાણ કામ કરી રહ્યું છે
- વિજય વ્યાસ
‘નીટ’ પેપર લીક સામેનું આંદોલન પત્યું નથી ત્યાં હવે ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલના વિરોધમાં આંદોલનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આમ તો ઈથેનોલયુક્ત પેટ્રોલનો વિરોધ કરવાની ઓનલાઈન ઝુંબેશ લાંબા સમયથી ચાલી રહી છે, પણ હવે ચળવળકાર તેહસીન પૂનાવાલાનું ટીમ ભારત સંગઠન આ ચળવળને ‘કોક્રોચ જનતા પાર્ટી’ની જેમ જંતર મંતર પર લાવવા માગે છે.
E-20 પેટ્રોલ સામેના આંદોનને વધારે ઉગ્ર બનાવવા માટે ટીમ ભારતે ગયા અઠવાડિયે દિલ્હીમાં સંસદની સામે ગડ્ડી માર્ચ યોજવાની જાહેરાત કરેલી પણ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી સાથે 4 કલાકની બેઠક પછી આ કૂચ મોકૂફ રાખવામાં આવી.
‘ટીમ ભારતે’ મંત્રી પુરીને આપેલા આવેદનપત્રમાં ત્રણ મુખ્ય માગણીઓ કરી છે. પહેલી માગ એ છે કે, 2023 પહેલાં બનેલાં લાખો વાહનો ઊ-20 પેટ્રોલથી ચલાવવા નથી બન્યાં તેથી તેમના માટે E-20 પેટ્રોલનું ફરી વેચાણ શરૂ કરવું જોઈએ. બીજી માગ પેટ્રોલ પંપ પર શુદ્ધ પેટ્રોલ એટલે કે ઈથેનોલ વિનાના ઈ-ઝીરો પેટ્રોલનું વ્યાજબી ભાવે વેચાણ કરવું જોઈએ. ત્રીજી માગણી એ છે કે, E-20 પેટ્રોલના ભાવ શુદ્ધ પેટ્રોલની સરખામણીમાં 20 ટકા ઓછા રાખવા જોઈએ. આ ઉપરાંત ‘ટીમ ભારતે’ કેટલાક વ્યાજબી મુદ્દા પણ ઉઠાવ્યા છે. તેમના મતે, પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલની મિલાવટ કરીને વેચાતા E-20 પેટ્રોલના કારણે વાહનોનાં એન્જિનને ભારે નુકસાન થઈ રહ્યું છે અને વાહનોનું આયુષ્ય ઘટે છે તેથીE-20 પેટ્રોલ સામાન્ય લોકોને બહુ મોંઘું પડે છે. ઈથેનોલના કારણે વાહનની એવરેજ ઘટતી હોવાથી વધારે પેટ્રોલ નખાવવું પડે છે તેથી ખિસ્સાં ખાલી થાય છે. એન્જિનને નુકસાન થતું હોવાથી બીજા પાર્ટ્સ પણ બગડે છે તેથી મેનટેનન્સ વધી જાય છે. આ કારણે કાં E-20 પેટ્રોલનું વેચાણ બંધ કરો કાં કારમાલિકોને E-20 પેટ્રોલ વાપરવાથી થતા નુકસાનથી બચાવવા અમારી માગણીઓ સ્વીકારો. સરકારે ઈથેનોલ બ્લેન્ડિંગના ફાયદાનો બહુ પ્રચાર કર્યો છે અને હજુ ચાલુ જ છે. શાસક પક્ષ પણ આ પ્રચારમાં કૂદ્યો છે અને ઈથેનોલ બ્લેન્ડિંગથી દેશને 2 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો હોવાનું જૂઠાણું ચલાવી રહ્યો છે.
કોર્ટે નિષ્ણાતોના મતના આધારે ઈથેનોલયુક્ત પેટ્રોલથી વાહનોને નુકસાન થયું હોવાનું સ્વીકારીને વળતર આપ્યું છે ત્યારે શાસક પક્ષ આ વાત સ્વીકારવા પણ તૈયાર નથી. આ બધાં લક્ષણો પરથી સ્પષ્ટ છે કે, કેન્દ્ર સરકાર ઈથેનોલ મુદ્દે પીછેહઠના મૂડમાં નથી એ જોતાં આંદોલન ઉગ્ર બની શકે. ‘સીજેપીના આંદોલનના કારણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું ધરી દેવું પડ્યું એ રીતે નીતિન ગડકરીને પણ રાજીનામું આપવાની ફરજ પાડીશું.’ એવો દાવો પણ ‘ટીમ ભારત’ કરી રહી છે.
આમ તો પોતાનું મંત્રાલય સુ-શાસન સાથે વ્યવસ્થિત રીતે ચલાવાવા માટે જાણીતા મંત્રી નીતિન ગડકરીના માથે સૌથી વધારે પસ્તાળ પડી રહી છે અને તેનું કારણ તેમના દીકરા છે. સોશ્યલ મીડિયા પર સીધા એવા આક્ષેપ જ થઈ રહ્યા છે કે, પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાનો કાર્યક્રમ કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીના પુત્ર નિખિલ અને સારંગની કંપની ‘સિયાન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ’ને ફાયદો કરાવવા શરૂ કરાયો છે. નિખિલ અને સારંગની કંપની મોટા પ્રમાણમાં ઈથેનોલ બનાવીને પેટ્રોલમાં ભેળવવા માટે સરકારી ઓઈલ કંપનીઓને વેચીને જંગી કમાણી કરી રહી છે.ગડકરીએ પેટ્રોલમાં ઈથેનોલની મિલાવટનું પ્રમાણ 10 ટકાથી વધારેની 20 ટકા કરાવ્યું પછી તો આ કંપનીને ચાંદી જ ચાંદી થઈ ગઈ છે. ‘સિયાન એગ્રો’ની આવકમાં થયેલો તોતિંગ વધારો તેનો પુરાવો છે. મીડિયા રીપોર્ટ પ્રમાણે, ભારતમાં ઊ-20 પેટ્રોલનું વેચાણ શરૂ કરવાનો નિર્ણય લેવાયો એ પહેલાં 2024માં સિયાન એગ્રોની નેટ વર્થ માત્ર 89.23 કરોડ રૂપિયા, આવક 182 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 4.9 કરોડ રૂપિયા હતાં.! 2025માં ભારતમાં E-20 પેટ્રોલનું વેચાણ શરૂ કરવાનો નિર્ણય લેવાયો પછી કંપનીની નેટ વર્થ રૂ.89 કરોડથી વધીને સીધી 2,017 કરોડ થઈ ગઈ જ્યારે આવક 182 કરોડથી વધીને રૂ.1,054 કરોડ થઈ ગઈ. ચોખ્ખો નફો 4.9 કરોડથી વધીને 41.6 કરોડ થઈ ગયો.
સ્વાભાવિક રીતે જ અત્યારે ભારતમાં સૌથી વધારે ઈથેનોલ સરકારી પેટ્રોલિયમ કંપનીઓ ખરીદી કરે છે કેમ કે પેટ્રોલમાં મિલાવટ માટે મોટા પ્રમાણમાં ઈથેનોલ જોઈએ. સરકારી કંપનીઓને કરાતું ઈથેનોલનું વેચાણ વધ્યું તેનો સૌથી વધારે ફાયદો ગડકરીની કંપનીને થયો છે એ જોતાં આક્ષેપો સાવ બોગસ નથી લાગતા.
નીતિન ગડકરીએ આ આક્ષેપોને રાજકારણથી પ્રેરિત ગણાવ્યા છે. ગડકરીનો દાવો છે કે, મારા દીકરાની કંપનીનો ઈથેનોલ બિઝનેસ દેવામાં ડૂબેલો છે અને લગભગ 1,600 કરોડનું મોટું દેવું કંપનીના માથે છે. E-20 પેટ્રોલને મંજૂરીથી મારા દીકરાની કંપનીને ઘી-કેળાં થઈ ગયાં હોય તો આટલું બધું દેવું ક્યાંથી હોય?
ગડકરીએ સફાઈ આપી છે કે, ઇથેનોલના ભાવ નક્કી કરવામાં કે સરકારી ખરીદી પ્રક્રિયામાં કે નીતિ નક્કી કરવામાં મારા મંત્રાલયની કોઈ જ ભૂમિકા નથી તેથી E-20 પેટ્રોલનો ખેલ મારા દીકરાના લાભાર્થે કરાયો હોવાની વાત સાવ ખોટી છે.
ગડકરીના ખુલાસા હાસ્યાસ્પદ છે. કોઈ કંપનીના માથે દેવું વધારે હોવાનો મતલબ કંપની નફો નથી કરતી એવો નથી થતો. મોટા ભાગની કંપનીઓ બેંકો પાસેથી લોન લઈને ધંધો કરે છે. આ લોન ટેકનિકલી દેવું કહેવાય પણ વાસ્તવિક રીતે સસ્તા વ્યાજે સરકારી રૂપિયા વાપરવાનો ખેલ છે. ગડકરીના મંત્રાલયને ઈથેનોલ નીતિ, ખરીદી કે બીજી બાબતો સાથે સીધી લેવાદેવા નથી એ સાચું પણ ગડકરી એટલા મોટા ગજાના નેતા છે કે, સરકારમાં પોતાનું ધાર્યું કરાવી જ શકે. ને સૌથી મહત્ત્વની વાત એ કે, ગડકરીને કંઈ લેવાદેવા નથી તો E-20 પેટ્રોલ અને ઈથેનોલથી ચાલતાં વાહનોનો ગડકરી જોરશોરથી પ્રચાર કેમ કરે છે ? પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી કે બીજા કોઈ મંત્રી ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલનો પ્રચાર કરતા નથી જ્યારે ગડકરી તો પોતે ઈથેનોલથી ચાલતી કાર વાપરે છે એવો દેખાડો કરવાથી માંડીને ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલથી ચાલતી કાર કે પેટ્રોલ પંપના લોચિંગમાં હાજરી સુધીનાં બધા કાર્યક્રમોમાં હાજર હોય છે. ગડકરી ઈથેનોલના બ્રાન્ડ એમ્બેસેડર હોય એ રીતે જ વર્તે છે એ જોતાં તેમના ખુલાસા કોને ગળે ઊતરે ?
જોકે બીજી તરફ, અરવિંદ કેજરીવાલે ઈથેનોલયુક્ત પેટ્રોલ મુદ્દે ગડકરીને ક્લીન ચીટ આપીને અત્યાર લગી કોઈનું ધ્યાન ગયું નથી એવા મુદ્દા તરફ ધ્યાન દોર્યું છે. કેજરીવાલનો દાવો છે કે, ગડકરીને બિચારાને નકામા બદનામ કરાય છે, બાકી પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાનો આખો ખેલ અમેરિકાના લાભાર્થે કરાઈ રહ્યો છે. કેજરીવાલના દાવા પ્રમાણે, ભારત સરકાર ટ્રમ્પના દબાણ સામે ઝીંક ઝીલી શકતી નથી તેથી ટ્રમ્પના ઈશારે પેટ્રોલમાં ઈથેનોલની મિલાવટનો ખેલ માંડ્યો છે.!
કેજરીવાલની વાત પહેલી નજરે કોઈ ન પણ માને, પણ તથ્યો તપાસીએ તો સમજાય કે, કેજરીવાલ અમથા ઈન્ડિયન રેવન્યુ સર્વિસીસ (આઈઆરએસ)ના અધિકારી નહોતા. યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વમાં ઇથેનોલનું સૌથી મોટું ઉત્પાદક છે. વૈશ્વિક ઉત્પાદનના લગભગ 54 ટકા ઈથેનોલ અમેરિકામાં બને છે.
અમેરિકાએ ગયા વરસે 16.0 અબજ ગેલન ઇથેનોલનું ઉત્પાદન કર્યું હતું. બ્રાઝિલ બીજા નંબરે અને ભારત ત્રીજા નંબરે છે.
અમેરિકા વધારે ઈથેનોલ બનાવે છે પણ દુનિયામાં વધારે માગ બ્રાઝિલના ઈથેનોલની છે. તેનું કારણ એ કે, અમેરિકામાં મોટા ભાગનું ઈથેનોલ બનાવવામાં કાચા માલ તરીકે મકાઈનો ઉપયોગ થાય છે જ્યારે બ્રાઝિલનું મોટા ભાગનું ઈથેનોલ શેરડીમાંથી બને છે.
શેરડીમાંથી બનતું ઇથેનોલ વધારે એનર્જી ધરાવતું હોય છે તેથી વધારે માઈલેજ આપે છે. તેના કારણે અમેરિકાએ પોતાનું ઈથેનોલ વેચવા બહુ ધમપછાડા કરવા પડે છે. આ તરફ ભારતનું માર્કેટ બહુ મોટું છે ને પેટ્રોલની ખપત બહુ વધારે છે.
આ પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ વધારે નખાય તો પણ આપણને અબજો ગેલન ઈથેનોલ જોઈએ. અમેરિકા પાસે લાખો એકર જમીન પડતર પડી છે. તેમાં મકાઈ ઉગાડીને અમેરિકા ધમધોકાર ઈથેનોલ બનાવે ને ભારતને આપીને અબજો ડૉલર કમાયા કરે એવો ખેલ ડોનલ્ડ ટ્રમ્પે પાડી દીધો હોય એ શક્યતા નકારી ના શકાય. અમેરિકાના લાભાર્થે ઈથેનોલ પેટ્રોલમાં ભેળસેળનો કાર્યક્રમ શરૂ કરાયો હોય એ પણ શક્ય છે.