Fri Jun 19 2026

Logo

ડીઆરઆઇના અધિકારીને દાઉદ ગેન્ગ સાથે કડી ધરાવતા શખસ, શંકાસ્પદ દાણચોરે આપી ધમકી

2026-06-19 17:52:33
Author: Yogesh D Patel
Article Image

પુણે: ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના વરિષ્ઠ અધિકારીને દાણચોરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખસ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ગેન્ગ સાથે કડી ધરાવતી વ્યક્તિ તરફથી ધમકી આપવામાં આવી છે. પુણે સ્થિત ડીઆરઆઇના આસિસ્ટન્ટ ડિરેક્ટર રેન્કના અધિકારી દ્વારા દાખલ ફરિયાદ અનુસાર તેમને ત્રીજી મેના રોજ મુશ્તાક શેખ નામના શખસે કૉલ કર્યો હતો, જેણે રિપોર્ટર તરીકે કામ કરવામાં રસ દાખવ્યો હતો અને તેમની સાથે વાત કરવા માગતો હોવાનું જણાવ્યું હતું.

થોડા દિવસ બાદ કૉલરે ફરી અધિકારીનો સંપર્ક સાધ્યો હતો અને જણાવ્યું હતું કે તે દુબઇથી પાછો આવી રહ્યો હતો ત્યારે મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ દ્વારા લેપટોપ અને મોબાઇલ ફોન જપ્ત કરાયા હોવાથી તેને છોડાવવામાં મદદ કરવા માટે વિનંતી કરી હતી. અધિકારીએ વિનંતી નકારી કાઢી હતી, જે પછી કૉલરે અધિકારી અને તેમના પરિવારના સભ્યોને વારંવાર વૉટ્સઍપ વોઇસ મેસેજ મોકલી ધાકધમકી આપી હતી.

તાજેતરમાં દાખલ ફરિયાદમાં ડીઆરઆઇના અધિકારી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કૉલરે દાવો કર્યો હતો કે તે છેલ્લાં 30 વર્ષથી દાણચોરી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે અને ગુનેગારો સાથે ઘરોબો ધરાવે છે. કૉલરે અધિકારીને પાઠ ભણાવવાની ચેતવણી આપી અને તેના પરિવાર પર નજર હોવાનું પણ જણાવ્યું હતું.

અધિકારીના જણાવ્યા અનુસાર અન્ય એક વ્યક્તિએ છઠ્ઠી મેના રોજ અલગ મોબાઇલ નંબર પરથી કૉલ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તે છેલ્લા ત્રણ દાયકાથી દાઉદ ઇબ્રાહિમની ડી-કંપનીની સિન્ડિકેટ માટે કામ કરે છે. તેણે એમ પણ જણાવ્યું હતું તેના એન્ટિ-ટેરરિઝમ સ્કવોડમાં કોન્ટેક્ટ છે. અધિકારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આ ધમકી તેના પરિવાર સાથે સંપૂર્ણ ડીઆરઆઇ પુણે પ્રાદેશિક યુનિટને પણ આપવામાં આવી રહી છે. એ ફરિયાદ હવે પુણેના એન્ટિ-એક્સટોર્શન સેલને વધુ તપાસ માટે સોંપવામાં આવી છે. (પીટીઆઇ)