Thu Jun 18 2026

Logo

‘ઈરાન તરફથી મોટી ભેટ મળી છે’ ટ્રમ્પના દાવાને કારણે શાંતિની આશા બંધાઈ

Wasington D.C.   2026-03-25 09:46:00
Author: Savan Zalariya
Article Image

વોશિંગ્ટન ડી સી: યુએસ અને ઈરાન પાંચ દિવસ માટે હુમલા રોકવા માટે સહમત થયા છે, અહેવાલ મુજબ બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ રહી છે. એવામાં મંગળવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટિપ્પણી કરી હતી, જેને કારણે તર્ક-વિતર્કો શરુ થયા છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સામેના યુદ્ધમાંથી યુએસ માટે "ખૂબ જ મોટી ભેટ આવી ગઈ છે, જેની કિંમત ખૂબ જ વધારે છે." 
ટ્રમ્પે એમ પણ જણાવ્યું કે ઈરાન સાથે વાતચીત ઉત્પાદક રહી હતી. બીજી તરફ ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે યુએસ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ પ્રકારની વાતચીત થઇ નથી. બંને પક્ષોના અલગ અલગ દાવાને કારણે મુંઝવણ ઉભી થઇ છે.

ટ્રમ્પે કર્યો દાવો:
જ્યારે પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે શું તેઓ ઈરાનના નેતાઓ પર વિશ્વાસ કરે છે? ત્યારે ટ્રમ્પે કહ્યું કે તેમને કોઈના પર વિશ્વાસ નથી, સાથે તેમણે કહ્યું કે "ઈરાન તરફથી એક મોટી ભેટ મળી છે."

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે કહ્યું, "તેમણે અમને ભેટ આપી, અને એ ભેટ આજે આવી ગઈ. આ ભેટ ખૂબ જ મોટી છે, જેની કિંમત ખૂબ જ વધારે છે. આ ભેટ શું છે એ હું તમને નહીં કહું, પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ ભેટ છે."

ઈરાન અને ઇઝરાયલ લડાઈ ચાલુ રાખશે?
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન સાથેની વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ થઇ રહી છે, જેને કારણે પશ્ચિમ એશિયામાં શાંતિ બંધાઈ છે. જ્યારે ઈરાને કોઈપણ વાટાઘાટો ચાલી રહી હોવાનો ઇનકાર કર્યો છે. ઈરાને પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી સંપૂર્ણ વિજય નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. ઇઝરાયલે પણ સંકેત આપ્યો છે કે તેના ઈરાન પર હુમલા ચાલુ રાખશે.

આ દરમિયાન પાકિસ્તાન, ઇજિપ્ત અને આરબ દેશો બંને દેશો વચ્ચે રાજદ્વારી વાટાઘાટો શરુ કરાવવા પ્રયાસ કરી રહ્યા છે, આ પ્રયાસો હજુ પ્રારંભિક તબક્કામાં છે.