Fri May 29 2026

Logo

'ધુરંધર 2' ની સફળતા બાદ રણવીર સિંહ પહોંચ્યો નાગપુર, RSS પ્રમુખ મોહન ભાગવત સાથે કરી મુલાકાત

2026-04-11 22:14:55
Author: Devayat Khatana
Article Image

મુંબઈ/નાગપુર: પોતાની તાજેતરની ફિલ્મ 'ધુરંધર ૨' ની ભવ્ય સફળતાનો આનંદ માણી રહેલો બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ હાલમાં નાગપુરની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન રણવીરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવત સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન બંને વચ્ચે રણવીરની ફિલ્મ તેમજ સંગઠનની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ અને સેવાકાર્યો અંગે સકારાત્મક ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. 

એરપોર્ટ પર સફેદ કુર્તામાં જોવા મળેલા રણવીરના લુક અને તેની ખુશી જોઈને ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને રણવીર સિંહ રેશિમબાગ સ્થિત ડૉ. હેડગેવાર સ્મૃતિ મંદિરની મુલાકાતે પણ ગયો હતો. અહીં તેણે RSS ના સ્થાપક ડૉ. કે.બી. હેડગેવાર અને તેમના ઉત્તરાધિકારી એમ.એસ. ગોલવલકરના સ્મારકો પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. 

આ મુલાકાત દરમિયાન સંઘના પ્રતિનિધિઓએ રણવીરને સંગઠનના ઈતિહાસ, તેના પ્રથમ બે પ્રમુખોના જીવન અને સ્મૃતિ મંદિરના મહત્વ વિશે વિગતવાર માહિતી આપી હતી. રણવીરની સુરક્ષા માટે આ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

'ધુરંધર ૨' ના સુપરહિટ થયા બાદ હવે રણવીર સિંહના આગામી પ્રોજેક્ટને લઈને પણ ચર્ચાઓ તેજ બની છે. રણવીર હવે ટૂંક સમયમાં ફિલ્મ 'પ્રલય' માં જોવા મળશે, જે એક પોસ્ટ-એપોકેલિપ્ટિક દુનિયા પર આધારિત હશે જ્યાં ઝોમ્બીઝનો આતંક જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન જય મહેતા કરવાના છે, જેઓ અગાઉ પ્રખ્યાત વેબ સિરીઝ 'સ્કેમ ૧૯૯૨' માં સહ-નિર્દેશક તરીકે કામ કરી ચૂક્યા છે. ચાહકો હવે રણવીરને આ નવા અને પડકારજનક અવતારમાં જોવા માટે આતુર છે.