શો-શરાબા - દિવ્યકાંત પંડ્યા
વર્ષ 2026ના સિને જગતની વાત નીકળે એટલે એક જ નામ અત્યારે ચારેબાજુ ગાજે છે, ‘ધુરંધર’... પહેલા ભાગની સફળતા પછી જ્યારે એના બીજા ભાગની જાહેરાત થઈ ત્યારે ઘણાને એમ હતું કે આ તો ખાલી જૂની કમાણી ખાઈ લેવાનો નુસખો હશે. સામાન્ય રીતે આપણી ફિલ્મ્સમાં એવું જ થતું હોય છે કે પહેલો ભાગ હિટ જાય એટલે બીજા ભાગમાં માત્ર બજેટ વધારી દેવામાં આવે, પણ વાર્તામાં દમ હોતો નથી, જેને આપણે સિક્વલ કર્સ કહીએ છીએ, પણ ‘ધુરંધર 2’ એ આ માન્યતાના ચીરેચીરા કરી નાખ્યા છે. આ ફિલ્મે સાબિત કરી દીધું કે જો દાનત સાફ હોય અને પ્રેક્ષકોની સમજણ પર ભરોસો હોય તો એક સિક્વલ માત્ર ફિલ્મી પડદા સુધી મર્યાદિત નથી રહેતી, પણ લોકોના દિલમાં કાયમી જગ્યા બનાવી લે છે.
આ સિક્વલની સફળતાનું એક મોટું કારણ એ પણ છે કે વાર્તાને અધૂરી રાખીને પહેલેથી જ તેને બે ભાગમાં બનાવવાની યોજના હતી. જો સફળતાના આધારે સિક્વલ બનાવવાનો વિચાર મેકર્સને આવ્યો હોત તો કદાચ સિક્વલ એટલી સારી ન બની હોત! એ ઉપરાંત આ સફળતા પાછળનું સૌથી મોટું કારણ કે સિક્રેટ એ છે કે આ ફિલ્મે ‘માસ’ (સામાન્ય જનતા) અને ‘ક્લાસ’ (બુદ્ધિજીવી પ્રેક્ષકો) વચ્ચેની પેલી વર્ષો જૂની દીવાલ તોડી પાડી છે. અત્યાર સુધી એવું મનાતું કે જો મસાલા ફિલ્મ હોય તો એમાં લોજિક ન હોય, અને જો ફિલ્મ કલાત્મક હોય તો એ સામાન્ય માણસને કંટાળાજનક લાગે, પણ ‘ધુરંધર’ના બંને ભાગે આ વાત ખોટી પાડી છે. આ ફિલ્મમાં જો સીટીમાર સંવાદો છે તો સામે ગંભીર વિચારતા કરી મૂકે તેવાં દૃશ્યો પણ છે.
‘ધુરંધર’માં નાયકનો સંઘર્ષ, એજન્ટ તરીકેનું તેનું કામ અને દેશ માટેની લડાઈ આપણને બધાને સ્પર્શી હતી, પણ બીજા ભાગમાં દિગ્દર્શક આદિત્ય ધરે પ્રોમિસ કર્યા મુજબ પાત્રના પાસ્ટમાં એટલે કે તેના મનમાં ઊંડાણપૂર્વક ખેડાણ કર્યું અને તેને દર્શકો સમક્ષ મૂક્યું. એમણે માત્ર એક્શન દૃશ્યો મોટા કરવાને બદલે વાર્તાની ઊંડાઈ વધારી. અહીં નાયક માત્ર ગુંડાઓ સામે નથી લડતો, પણ એ પોતાની અંદર ચાલતા સંઘર્ષ સામે લડે છે. આ સિક્વલની ખાસિયત એ છે કે તે આપણને નવાઈ પમાડે છે, ક્યાંક ડરાવે છે અને છેલ્લે એક નવી આશા આપે છે. જ્યારે મૂવીનો હીરો પડદા પર એન્ટ્રી મારે ત્યારે થિયેટરમાં જે દેકારો થાય છે, એ જ ઓડિયન્સ જ્યારે ફિલ્મમાં કોઈ ઈમોશનલ સીન આવે ત્યારે એકદમ સ્તબ્ધ થઈને બેસી રહે છે... આ જ આ ફિલ્મની સાચી જીત છે.
બીજી મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મના અવાજમાં એક ફ્યુઝન છે દેશી અને મોડર્નનેસનું. એકદમ ગ્લોબલ કે સંપૂર્ણ દેશી બનવાની લ્હાયમાં ફિલ્મમેકર્સ ઘણીવાર વાર્તાની અસલિયત ભૂલી જતા હોય છે, પણ ‘ધુરંધર’ના સર્જકોએ બંને ફિલ્મમાં પોતાની જમીન પકડી રાખી છે. એમાં જે ભાષા વપરાઈ છે કે જે બેકડ્રોપ વાપર્યો છે તેમાં વાસ્તવિકતા સાથે એનું સાતત્ય જાળવી રાખ્યું છે.
આજે સોશ્યલ મીડિયા પર આ ફિલ્મના ડાયલોગ્સ હોય કે ગીતો, એ માત્ર ટ્રેન્ડ નથી પણ લોકોના જીવનનો હિસ્સો બની ગયા છે. ‘ધુરંધર 2’ એ સાબિત કર્યું છે કે પ્રેક્ષકો હવે હોશિયાર થઈ ગયા છે. એમને ખાલી ધડબડાટી નથી જોઈતી. એમને એક એવી વાર્તા જોઈએ છે જે એમની સાથે સંવાદ કરી શકે. આ ફિલ્મ જોયા પછી જ્યારે પ્રેક્ષક થિયેટરની બહાર નીકળે છે ત્યારે એ માત્ર મનોરંજન લઈને નથી નીકળતો, પણ એક એવો અનુભવ લઈને નીકળે છે જે એને લાંબો સમય યાદ રહેશે. એટલે જ ચાર કલાકની લંબાઈ હોવા છતાં દર્શકો કમ્યુનિટી એક્સપિરિયન્સ માટે થિયેટર સુધી લાંબા થયા છે.
આ ફ્રેન્ચાઇઝીની સફળતાનું એક મનોવૈજ્ઞાનિક પાસું એની કેરેક્ટર આર્ક છે. સામાન્ય રીતે સિક્વલમાં હીરો માત્ર વધુ શક્તિશાળી બને છે, પણ ‘ધુરંધર 2’માં હીરો વધુ સંવેદનશીલ અને માનવીય બન્યો છે. આદિત્ય ધરે અહીં ‘લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ’ને માત આપી છે એટલે કે સામાન્ય રીતે બીજી વાર એ જ વસ્તુ જોવાથી જે રસ ઓછો થઈ જાય, તેને બદલે અહીં ઉત્સુકતા વધી છે. આનું કારણ એ છે કે વાર્તામાં માત્ર બાહ્ય દુશ્મનો નથી, પણ નાયકની પોતાની નૈતિકતા સાથેનો સંઘર્ષ છે. જ્યારે કોઈ માસ ફિલ્મમાં ક્લાસ લેવલનું મનોમંથન ઉમેરવામાં આવે ત્યારે તે પ્રેક્ષકોના સબ-કોન્શિયસ માઈન્ડને સ્પર્શે છે.
જે રીતે આ ફિલ્મે ગ્રામીણ અને શહેરી પ્રેક્ષકોને એક જ પ્લેટફોર્મ પર લાવી દીધા છે તે દર્શાવે છે કે માસ અને ક્લાસ વચ્ચેનો ભેદ વાસ્તવમાં પ્રેક્ષકોમાં નથી, પણ સર્જકોની માનસિકતામાં હતો. ‘ધુરંધર’એ સાબિત કર્યું છે કે જો સિનેમામાં ‘રૂટેડનેસ’ અને ‘ગ્લોબલ સ્ટાન્ડર્ડ’નું સંતુલન હોય, આ વિઝ્યુઅલ મીડિયામાં નવીન ટ્રીટમેન્ટ આપવાની શક્તિ હોય તો તે સફળ બની શકે છે.
ટૂંકમાં કહીએ તો, ‘ધુરંધર’ની આ સફર એ વાતની સાક્ષી છે કે જો એક મેકર તરીકે સિનેમામાં ફિલ્મમેકિંગની દ્રષ્ટિએ નાવીન્ય લાવો તો મનોરંજન દેવની કૃપા તમારા પર જરૂર વરસે અને આખું જગત તમારા માટે તાળીઓ પાડવા તૈયાર બેઠું હોય છે!
લાસ્ટ શોટ
મને ‘ધુરંધર’ ખૂબ ગમી હતી, પરંતુ ‘ધુરંધર: ધ રિવેન્જ’ સ્કેલ અને સોલ બંનેમાં મૂળ ફિલ્મને પણ પાછળ મૂકી ગઈ.
-એસ. એસ. રાજામૌલી